Mumbai,તા,18
અનિશ્ચિત આર્થિક વાતાવરણ વચ્ચે વિશ્વભરમાં ગોલ્ડમાં રોકાણમાં વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. સોનાને એક સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટસ તરીકે માનવામાં આવે છે.
અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો અને મધ્ય પૂર્વમાં વધી રહેલી ભૌગોલિકરાજકીય તાણને પરિણામે સપ્ટેમ્બરમાં સતત પાંચમા મહિને ગોલ્ડ એકસચેન્જ-ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં વૈશ્વિક સ્તરે નેટ ઈન્ફલોસ જોવા મળ્યો છે.
ગોલ્ડ ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) પણ પાંચ ટકા વધી ૨૭૧ અબજ ડોલર પહોંચી છે અને સપ્ટેમ્બરના અંતે ગોલ્ડ હોલ્ડિંગ્સનો સંયુકત આંક ૩૨૦૦ ટન પહોંચી ગયાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જણાવાયું છે.
ભારતની વાત કરીએ તો છેલ્લા વીસ મહિનામાં માર્ચ, ૨૦૨૩ તથા એપ્રિલ, ૨૦૨૪ આ બે મહિનાને બાદ કરતા બાકીના મહિનાઓમાં ગોલ્ડ ઈટીએફસમાં નેટ ઈન્ફલોસ જોવા મળ્યો છે, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે.
સપ્ટેમ્બરના અંતે ભારતના ગોલ્ડ ઈટીએફસની એયુએમ રૂપિયા ૩૯૮૨૪ કરોડ રહી હતી, જે દેશમાં રોકાણકારોનું સોનામાં આકર્ષણ વધી રહ્યાનું સૂચવે છે.
અનિશ્ચિત આર્થિક વાતાવરણ વચ્ચે રોકાણકારો ્અન્ય એસેટસ કલાસની સરખામણીએ સોનામાં વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે, એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. ઉત્તર અમેરિકામાં સંચાલિત ગોલ્ડ ઈટીએફસમાં સપ્ટેમ્બરમાં વધુ ઈન્ફલોસ જોવા મળ્યો હોવાનું કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારતમાં છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને સોના પર રૂપિયાના સ્વરૂપમાં ૩૩ ટકા વળતર પ્રાપ્ત થયું છે. દેશમાં હાલમાં ૧૭ ગોલ્ડ ઈટીએફસ કાર્યરત છે. ગોલ્ડ ઈટીએફસની જેમ દેશમાં રોકાણકારોનું સિલ્વર ઈટીએફસમાં આકર્ષણ વધી રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. એમ્ફીના ડેટા પ્રમાણે એપ્રિલ ૨૦૨૩થી દોઢ વર્ષમાં સિલ્વર ઈટીએફસમાં રૂપિયા ૭૬૮૩ કરોડનો નેટ ઈન્ફલોસ જોવા મળ્યો છે.