Washington,તા.24
અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત સોમવારે અચાનક બગડી હતી. યુએસ મિડિયા અનુસાર તાવ સહિત અન્ય કેટલીક ફરિયાદો બાદ તેમને વોશિંગ્ટનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
પૂર્વ રાષ્ટ્રપતિના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એન્જલ યુરેનાએ જણાવ્યું હતું કે ક્લિન્ટનની તબિયત સારી છે. 78 વર્ષીય ડેમોક્રેટિક નેતાને મેડસ્ટાર જ્યોર્જટાઉન યુનિવર્સિટી હોસ્પિટલમાં અનેક પરીક્ષણો અને નિરીક્ષણ માટે દાખલ કરવામાં આવ્યાં છે. યુરેનાએ કહ્યું કે ’તેની તબિયત સારી છે અને તેની સારી રીતે કાળજી લેવામાં આવી રહી છે.
બિલ ક્લિન્ટનને 2004 મા લાંબા સમય સુધી છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ બાદ બાયપાસ સર્જરી કરવી હતી. ત્યારબાદ 2010 માં તેની કોરોનરી ધમનીમાં સ્ટેન્ટની જોડી મૂકવામાં આવી હતી. આ પછી, 2021 માં તે યુરિનરી ઇન્ફેક્શન સંબંધિત બીમારીથી ગ્રસિત હતાં.
અમેરિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં પણ બિલ ક્લિન્ટન ખૂબ જ સક્રિય હતાં. તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ માટે પણ પ્રચાર કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિએ ડેમોક્રેટિક નેશનલ ક્ધવેન્શન દરમિયાન સંબોધન પણ કર્યું હતું.

