ઓક્ટોબરમાં પ્રાઈવેટ ઈક્વિટી (PE) અને વેન્ચર કેપિટલ (VC) રોકાણોમાં મૂલ્યના માપદંડે વૃદ્ધિ નોંધાઈ છે, જોકે સોદાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, તેમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. ગયા વર્ષની સરખામણીએ, ઓક્ટોબર ૨૦૨૩માં ૪.૯૦ અબજ ડોલર સામે આ વખતના ઓક્ટોબરમાં PE–VC રોકાણો ૮ ટકા વધીને ૫.૩૦ અબજ ડોલર પર પહોંચી છે. સોદાની સંખ્યા ઘટી છે, ગયા વર્ષના ઓક્ટોબરમાં ૧૧૨ ડીલ્સ થયા હતા, જ્યારે આ વર્ષે તે ઘટીને ૧૦૨ રહ્યા છે. ક્ષેત્રવાર જોવામાં આવે તો, નાણાંકીય સેવાઓમાં ૨૯૨ કરોડ ડોલર સાથે સૌથી વધુ રોકાણ થયું, જ્યારે ૭૧.૫૦ કરોડ ડોલર સાથે ઈ-કોમર્સ ક્ષેત્ર બીજા સ્થાને રહ્યું.
ટેકનોલોજી ક્ષેત્રે ૪૫.૫૦ કરોડ ડોલરના રોકાણો આકર્ષ્યાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ્સમાં રોકાણ વધતું ગયું છે. ગયા ઓક્ટોબરના ૮૮.૪૦ કરોડ ડોલર સામે આ વર્ષે સ્ટાર્ટઅપ્સે ૨ અબજ ડોલરના ઇન્વેસ્ટમેન્ટ્સ આકર્ષ્યા છે. ફન્ડ્સ દ્વારા થયેલા એગ્ઝિટ્સના મામલે, ઓક્ટોબરમાં કુલ ૬૪ કરોડ ડોલરના મૂલ્યની ૧૪ એક્ઝિટ્સ જોવા મળી હતી, જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ૧.૧૦ અબજ ડોલરની કુલ ૧૦ એક્ઝિટ્સ નોંધાઈ હતી. રિપોર્ટ મુજબ આ વર્ષે થયેલા કુલ એક્ઝિટ મૂલ્યમાં ઓપન માર્કેટ મારફતે ત્રણ સોદાઓમાંથી ૨૩.૪૦ કરોડ ડોલરની એક્ઝિટ સામેલ હતી.

