Rajkot,તા.25
આજરોજ જુનાગઢના ગિરનાર પર્વત ઉપર કડકડતી ઠંડી અનુભવાઈ હતી. જયારે નલિયા અને રાજકોટ પણ ઠંડાબોળ રહેવા પામ્યા હતા. આજરોજ ગિરનાર પર્વત ઉપર 9.3, ડિગ્રી તથા કચ્છના નલિયામાં 13.4 અને રાજકોટ શહેરમાં 14.8 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આજરોજ સૌરાષ્ટ્ર-ગુજરાતના અન્ય સ્થળોએ ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ હતી.
આજે સવારે અમદાવાદમાં 17.8, અમરેલીમાં 17, વડોદરામાં 15.2, ભાવનગરમાં 18.1, તથા ભુજમાં 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે આજે સવારે દમણમાં 20.2, ડિસામાં 15.4, દિવમાં 17.6, દ્વારકામાં 20.5, તેમજ ગાંધીનગર ખાતે 14 ડિગ્રી. કંડલામાં 18, ઓખામાં 24.4, પોરબંદરમાં 16, સુરતમાં 21 તેમજ વેરાવળ ખાતે 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી મળતા વધુ અહેવાલો મુજબ જુનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો 14.8 ડીગ્રીએ પહોંચતા રાત્રીના વાતાવરણ ઠંડુગાર થવા પામતા ગરમ વસ્ત્રોની ખરીદી થવા પામી છે. રાત્રીના મોસા છકડો રીક્ષા જેવા ખુલ્લા વાહન રોડ પર ઓછા જોવા મળી રહ્યા છે. ગિરનાર પર ઠંડીનો પારો 9.3 ડિગ્રીએ જતા યાત્રીકો પ્રવાસીઓને ભવનાથમાં ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
છેલ્લા પાંચ દિવસમાં તાપમાનના પારો નીચે આવી રહ્યો છે. આ વર્ષે શિયાળાનો પગરવ થોડુ મોડુ થઈ રહ્યું છે. ધીમે ધીમે શિયાળો તેના અસલ રંગમાં આવી રહ્યો છે. છેલ્લા દિવસોમાં 2.6 ડિગ્રી પારો નીચે આવતા રાત્રીના ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 50 ટકાનો ઘટાડો થવા પામ્યો છે.
ગિરનાર પર્વત ઉપર 9.3 ડિગ્રીએ રહેવા પામ્યું છે. પર્વત ઉપર વાદળોની ચાદર પથરાઈ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બજારોમાં ગરમ વસ્ત્રોની ખરીદી માર્કેટમાં જોવા મળી રહી છે.
જામનગરમાં છેલ્લાં 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો વધારો થતાં આજે 17.5 ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી. વાતાવરણમાં 9 ટકા ભેજનું પ્રમાણ ઘટીને 65 ટકા થયું હતું. મહત્તમ તાપમાન સતત બીજા દિવસે 29.5 ડિગ્રીથી ઓછું રહ્યું હતું.
ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. જામનગર પંથકમાં પણ તાપમાનમાં સતત ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. શહેરમાં આજે સવારે પુરા થતાં ચોવીસ કલાક દરમિયાન ન્યુનતમ તાપમાન 17.5 ડીગ્રીએ પહોંચ્યું હતું.
આથી લોકોએ ઠંડીમાં રાહત મળી હતી. મહતમ તાપમાનો પારો 29.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 3.7 કિમિ રહી હતી.
જો કે, રવિવારે લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો થતાં 16.5 ડિગ્રી નોંધાયું હતું. આથી લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. મહત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રીનો આંશિક ઘટાડો થતાં 29.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 9 ટકા ઘટીને 65 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 3.7 કિ.મી.ની રહેવા પામી હતી. તાપમાનમાં સતત વધારા-ઘટાડાના કારણે હજુ પણ મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.
જ્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થવાના બદલે ઉતરોતર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહયો છે. ત્રણ દિવસ પહેલાં અમરેલીમાં લઘુતમ તાપમાન 13.4 નોંધાયું હતું. જેમાં આજે 4 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે.
અમરેલી આજે મહતમ તાપમાન 31.4, જ્યારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 68 ટકા જ્યારે પવનની ગતિ 4.8 કી.મી. નોંધાય હતી.