Rajkot,તા.27
દેશના પૂર્વ વડાપ્રધાન અને આર્થિક સુધારાઓના પાયાના પથ્થર સમાન ડો. મનમોહનસિંહનું ગઈકાલે અવસાન થયું છે. તેમના કામના ફળ દેશને મળ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના રાજકોટ સાથે પણ સંભારણા રહ્યા છે.
તેમાં છેલ્લે 2016માં ઈમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે તેમણે પત્રકાર પરિષદને પણ સંબોધન કર્યુ હતું. પ્રખર અર્થશાસ્ત્રી, કુશલ રાજનેતાના સમયમાં આર્થિક ઉદારીકરણ, આરટીઆઈ અને આરટીઈ જેવા પગલા તેઓએ લીધા હતા.
વર્ષ 2007માં પણ તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. વિરાણી હાઈસ્કુલના મેદાનમાં તેમણે ચૂંટણી સભા સંબોધી હતી. પત્રકારો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતો અંગે પણ વાર્તાલાપ કર્યો હતો.
2016ની મુલાકાત વખતે પત્રકારોને કાશ્મીર સહિતના મુદ્દે પ્રશ્નોના જવાબ અપાયા હતા. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીનું જયાં ઘડતર થયું હતું એ ધર્મેન્દ્ર રોડના ક.બા ગાંધીના ડેલાની પણ તેમણે મુલાકાત લીધી હતી. ત્યાંની વીઝીટ બુકમાં તેઓની નોંધ છે.
આ સમયે તેમની સાથે રહેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજકોટ કોંગ્રેસના નેતા ડો.મહેશ રાજપૂત પણ સાથે રહ્યા હતા તે સંભારણું..