Washington,તા.૪
યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે નિકાસ પ્રતિબંધોને આધીન ચીની ટેક્નોલોજી કંપનીઓની યાદીને વિસ્તૃત કરી છે, જેમાં નવી ૧૪૦ કંપનીઓનો ઉમેરો કર્યો છે. આ કંપનીઓ કોમ્પ્યુટર ચિપ્સ, ચિપ બનાવવાના સાધનો અને સોફ્ટવેર બનાવવા માટે વપરાતા સાધનો બનાવે છે. તમામ કંપનીઓ ચીન સ્થિત છે. પરંતુ આ યાદીમાં જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોરમાં ચીનની માલિકીના વ્યવસાયો પણ સામેલ છે. ચીને આનો વિરોધ કર્યો છે.
સુધારેલા નિયમો ચીનમાં ઉચ્ચ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સની નિકાસને પણ મર્યાદિત કરે છે. અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોએ જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ્ય અમારી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવાની ચીનની ક્ષમતાને ખલેલ પહોંચાડવાનો છે. આનો અર્થ એ થયો કે યાદીમાં સામેલ કંપનીને અમેરિકામાં નિકાસ લાયસન્સ આપવાનો ઇનકાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અમેરિકા આવા નિકાસ નિયંત્રણોથી પ્રભાવિત કંપનીઓની સંખ્યા ધીમે ધીમે વધારી રહ્યું છે.
યુએસએ ચીન પર નવા સેમિકન્ડક્ટર એક્સપોર્ટ કંટ્રોલ પેકેજની જાહેરાત કરીને એઆઇ માટે હાઈ-એન્ડ ચિપ્સ પર નિયંત્રણો લાદ્યા છે. દક્ષિણ કોરિયાના ઉદ્યોગોને પણ તેની અસર થશે. ઉચ્ચ બેન્ડવિડ્થ મેમરી ચિપ્સ પર પ્રતિબંધ દક્ષિણ કોરિયાની બે કંપનીઓ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને એસકે હાઈનિક્સ અને માઈક્રોન ટેક્નોલોજીને પણ નિશાન બનાવે છે.
ચીપ કોમ્પોનન્ટ્સ અને છૈં ટેક્નોલોજીની ચીનની ઍક્સેસ પર યુએસના નવા પ્રતિબંધોની જાહેરાત બાદ સેક્ટરના શેરો અને સેમિકન્ડક્ટરના શેરોમાં વધારો થયો હતો. ફિલાડેલ્ફિયા સ્ટોક એક્સચેન્જ સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ ૨.૯% વધ્યો હતો, જ્યારે નાસ્ડેકમાં ૧.૧% નો વધારો જોવા મળ્યો હતો.
ચીને અમેરિકાને ગેલિયમ, જર્મેનિયમ, એન્ટિમોની અને સુપરહાર્ડ મટિરિયલ્સ સંબંધિત બેવડા ઉપયોગની વસ્તુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે આ નિકાસ પ્રતિબંધ મંગળવારથી લાગુ થશે. તેને યુએસમાં મોકલવામાં આવતા ગ્રેફાઇટ ડ્યુઅલ-ઉપયોગ સામાન માટે સખત અંતિમ-વપરાશકર્તા અને અંતિમ ઉપયોગની સમીક્ષાઓની પણ જરૂર છે. અમેરિકાએ ચીનના સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર ત્રણ વર્ષમાં ત્રીજી કાર્યવાહી કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

