રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી નબળો મહિનો સાબિત થયો. નવેમ્બરમાં અત્યાર સુધી ચલણમાં લગભગ ૦.૮% ઘટ નોંધાઈ હતી. ગત સપ્તાહના અંતે રૂપિયો વધુ ૦.૧૭% ફસલાઈને ૮૯.૪૬ પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. એશિયાઈ ચલણોમાં રૂપિયો હાલ સૌથી નબળું પ્રદર્શન કરતું ચલણ બની ગયું છે. એક તરફ, સરકારે શુક્રવારની સાપ્તાહિક હરાજીમાં લગભગ રૂ.૩૨,૦૦૦ કરોડનાં સરકારી બોન્ડ વેચ્યા હતા. ડીલરના જણાવ્યા મુજબ, ૭ વર્ષના બોન્ડ પર કટઓફ યિલ્ડ ૬.૪૩% નક્કી કરવામાં આવી હતી, જે મજબૂત માંગ દર્શાવે છે.
ખાનગી બેંકના એક ડીલરે કહ્યું કે, પાછલી હરાજી – જેમાં ૭ વર્ષની સિક્યોરિટીઝ રદ થઈ હતી, સરખામણીમાં આ વખતે માંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. વ્યાજદરમાં છૂટછાટના સંકેત આપ્યા બાદ રિઝર્વ બેંક ગવર્નરનાં નિવેદનો બજારની ભાવનામાં સકારાત્મક ફેરફાર લાવતાં રોકાણકારોની માંગ વધેલી જોવા મળી. યાદ રહે કે રિઝર્વ બેંકે ૯ નવેમ્બરે ૭ વર્ષના સરકાર બોન્ડનું વેચાણ અટકાવ્યું હતું, કારણ કે રોકાણકારોએ લગભગ ૬.૫૦% ઉપજની માંગ કરી હતી, જે નવા ૧૦ વર્ષના બોન્ડ કરતાં વધુ હોવાથી કેન્દ્રીય બેંકે અસંગત ગણાવી હતી.
બજારના ખેલાડીઓનું માનવું છે કે આ વખતે ઉપજ સામાન્ય અપેક્ષાઓ સાથે મેળ ખાતી હતી, જ્યારે ગ્રીન બોન્ડે અપેક્ષાથી ઉમદા કામગીરી દર્શાવી હતી. મહિનાના અંતે ડોલરની માંગ વધી હોવાથી રૂપિયો દબાણમાં છે, જ્યારે રિઝર્વ બેંક સ્થાનિક ચલણને રેકોર્ડ નીચા સ્તરે જવાથી અટકાવવા માટે ડોલર વેચાણ કરી રહી છે. એશિયાઈ ચલણોમાં રૂપિયો સૌથી નબળું છે અને નવેમ્બરમાં તેમાં કુલ ૪.૩ ટકા ઘટ નોંધાઈ છે. ઉપરાંત, ઈરાની ક્રૂડ તેલની ખરીદી બદલ ભારતીય કંપનીઓ પર લાગેલા પ્રતિબંધો અને વેપાર સોદાઓમાં વિલંબને કારણે ૨૧ નવેમ્બરે રૂપિયો ૮૯.૫૪ પ્રતિ ડોલરની નવી તળિયે પહોંચ્યો હતો.

