બોન્ડ માર્કેટમાં મૂડી એકત્રીકરણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, કારણ કે અનેક મોટી સરકાર સંલગ્ન સંસ્થાઓએ અપેક્ષિત કરતાં ઓછા ઇશ્યૂ જારી કર્યા છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સીડબી), પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC), એક્સિસ બેંક અને સુંદરમ ફાઇનાન્સે મળીને અંદાજીત રૂ.૧૪૫૦૦ કરોડ જ એકત્ર કર્યા, જ્યારે બજારની અપેક્ષા મુજબ આ આંકડો રૂ.૨૫૦૦૦ કરોડની આસપાસ રહેવાનો હતો. પાવર ફાઇનાન્સ અને નાબાર્ડે તેમના ટૂંકા ગાળાના બોન્ડ ઇશ્યૂ પાછા ખેંચી લીધા હોવાથી બજારમાં ઇશ્યૂ પ્રવૃત્તિ વધુ ધીમી પડી છે. નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠકમાં રેપો રેટમાં ઘટાડાની ધારણા વધી રહી છે, જેનાથી ટૂંકા ગાળાના બોન્ડ યીલ્ડ્સ ઘટી શકે છે.
આવી સ્થિતિમાં કંપનીઓ માટે પછીના સમયગાળામાં સસ્તા વ્યાજ દરે બોન્ડ જારી કરવું વધુ ફાયદાકારક બની શકે છે, જેના કારણે ઘણા ઈશ્યુઅર્સ હાલની યોજના ટાળી રહ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ સંકેત આપ્યો છે કે વ્યાજ દર ઘટાડાનો અવકાશ હજી ખૂટ્યો નથી. તેમની ટિપ્પણી બાદ ૧૦-વર્ષના બેન્ચમાર્ક સરકારી બોન્ડની ઉપજ ઘટી ગઈ છે. બજાર સૂત્રો મુજબ નાબાર્ડે તેનો ઇશ્યૂ પાછો ખેંચી લીધો કારણ કે સીડબીએ ૬.૭૪%ના દરે ૩૭-મહિના બોન્ડ જારી કર્યા હતા, જ્યારે નાબાર્ડ તેના ત્રણ-વર્ષના ઇશ્યૂ માટે વધુ ઓછો વ્યાજ દર મળવાની અપેક્ષા રાખતું હતું.
નાબાર્ડના ઇશ્યૂ પર વ્યાજ દર ૬.૭૮% આવતો હોવાથી તે બજારમાં ઉતરવાનું ટાળ્યું. બીજી તરફ, PFCએ ૧૦-વર્ષના બોન્ડ પર ૭.૦૮%%ના દરે રૂ.૩૦૦૦ કરોડ એકત્ર કર્યા, જ્યારે એક્સિસ બેંકે રૂ.૫૦૦૦ કરોડ ૭.૨૭% વ્યાજ દરે ૧૦-વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડથી ઉગામ્યા. સુંદરમ ફાઇનાન્સે પણ રૂ.૮૦૦ કરોડનું મૂડી એકત્રીકરણ કર્યું, જેમાંથી રૂ.૨૪૦ કરોડ એન્કર રોકાણકારો પાસેથી મળ્યા. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ નાબાર્ડ અને PFC બંને ૫ ડિસેમ્બરની નીતિ સમિતિની જાહેરાત બાદ ફરીથી તેમના બોન્ડ ઇશ્યૂ રજૂ કરી શકે છે, કારણ કે વ્યાજ દરોમાં સંભવિત ઘટાડો તેમને વધુ અનુકૂળ શરતો પ્રદાન કરી શકે છે.

