Vadodara,તા.13
અગાઉ યાકુતપુરા ફતેપુરા વિસ્તારમાં ભરાતી શુક્રવારી બજારનું સ્થળ તંત્ર દ્વારા બદલાવીને કારેલીબાગ તરફનું કરવામાં આવ્યું હતું. ભૂતડી જાપાન પોલીસ ગ્રાઉન્ડથી કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર અંબા માતાના મંદિર સુધીના વિસ્તારમાં પથારા લગાવવાની છૂટ અપાઈ હતી. પરંતુ પાણીની ટાંકી સુધી પથારા ફેલાતા દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. પરંતુ આ વખતે ચોકાવનારી વિગતો જાણવા મળી હતી કે, કેટલાક સ્થાનિક લોકો પથારાવાળા પાસેથી એડવાન્સમાં નિયત ભાડું વસૂલ કરે છે અને દબાણ શાખાની ટીમ આવે ત્યારે પોતાના કમ્પાઉન્ડમાં પથારાવાળાનો માલ મૂકવાની સગવડ કરી આપે છે.
ઉલ્લેખનીય છે કે, કારેલીબાગ શુક્રવારી બજારમાં દબાણ શાખાની ટીમ દ્વારા નિયમિત વોચ રાખવામાં આવે છે. પરંતુ પાલિકા તંત્રને એવી જાણ થઈ હતી કે, સ્થાનિક સોસાયટીવાળાઓ શુક્રવારે બજારના પથારાવાળાને નિયત ભાડું લઈને પોતાના ઘર પાસે પથારા લગાવવાની છૂટ આપતા હોવાની બાબતે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગેની જાણ થતા પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ કારેલીબાગ શુક્રવારી બજારમાં ત્રાટકી હતી. પાણીની ટાંકી સુધી ફેલાયેલી શુક્રવારી બજારના પથારાવાળાને હટાવતા તમામ પથારાવાળાએ રોડ પરની સોસાયટીઓના કમ્પાઉન્ડમાં માલ સામાન મૂકી દીધો હોવાની બાબતે ચર્ચા જાગી હતી. આ અંગે દબાણ શાખાની ટીમે કરેલી તપાસમાં સ્થાનિક સોસાયટીવાળાઓ નિયત ભાડું લઈને ઘરના કમ્પાઉન્ડ પાસે પથારા લગાવવાની સગવડ આપીને તેના બદલામાં ગેરકાયદે રીતે ભાડું વસૂલતા હોવાની બાબતે ભારે ચર્ચા જાગી છે.

