Ahmedabad,તા.૨
ગુજરાતની જીવનરેખા સમાન નદીઓ આજે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે. તાજેતરમાં ઓક્ટોબર-૨૦૨૫માં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ, રાજ્યની કુલ ૨૫ નદીઓમાં પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં હૃદયદ્રાવક હકીકત સામે આવ્યું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યની ૧૦ નદીઓ પ્રદૂષિત હાલતમાં છે, અને તેમાંથી ૪ નદીઓ તો ’પ્રાયોરિટી-૧’ એટલે કે સૌથી અત્યંત પ્રદૂષિત શ્રેણીમાં આવે છે.
નદીઓના શુદ્ધિકરણ માટે સરકારે અનેક યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં, પરિણામ સંતોષકારક નથી. આ રિપોર્ટ સૂચવે છે કે નદીઓના શુદ્ધિકરણ પાછળ થયેલો ખર્ચ આખરે પાણીમાં ગયો છે. તપાસ દરમિયાન નદીઓના પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ લેવલ ઘણું વધારે હોવાનું સામે આવ્યું છે, જે ઔદ્યોગિક અને શહેરી કચરાના સીધા નિકાલને કારણે થતા ગંભીર જળ પ્રદૂષણનો સ્પષ્ટ સંકેત આપે છે.રાજ્યની ૧૦ પ્રદૂષિત નદીઓમાં સાબરમતી, ભાદર, ખારી, અમલખાડી, ઢાઢર, વિશ્વામિત્રી, મિંઢોળા, શેઢી, અમરાવતી અને ભોગાવો નદીઓ સામેલ છે. આ ૧૦માંથી ૪ નદીઓ તો અત્યંત પ્રદૂષિત સ્થિતિમાં છે અને પ્રાયોરિટી-૧ની યાદીમાં છે, જેમાં સાબરમતી, અમલખાડી, ખારી અને ભાદર નદીનો સમાવેશ થાય છે.ખાસ કરીને, વૌઠા પાસેનો સાબરમતી નદીનો પટ્ટો સૌથી ઝેરી ગણવામાં આવ્યો છે. અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી આવતા ઔદ્યોગિક પ્રદૂષણને કારણે સાબરમતીનું પાણી ગંભીર રીતે ઝેરી બની ગયું છે. ભાદર અને ખારી નદી પણ પ્રાયોરિટી-૧માં આવવાથી તેની ગંભીર સ્થિતિ સૂચવે છે.

