New Delhi, તા.9
રાજ્યસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય કેબીનેટમાં મોટા ફેરફારો થવાની અટકળો જોર પકડવા લાગી છે. અમુક કેબીનેટ પ્રધાનોની સાથોસાથ અનેક રાજ્યકક્ષાના મંત્રીઓ પણ બદલાશે. જો કે, ક્યા મંત્રાલયોમાં ફેરફાર થશે તે વિશે કોઇ સ્પષ્ટ સંકેતો નથી છતાં એવી ચર્ચા છે કે એકાદ ડઝન મંત્રીઓ બદલાશે.
માહિતગાર સૂત્રોના કહેવા પ્રમાણે 18 જુને રાજ્યસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર થશે. ભાજપે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આવતા વર્ષે યોજાનારી વિદાનસભા ચૂંટણીઓથી તૈયારી શરૂ કરી છે અને તેને ધ્યાનમાં રાખીને જ મોટા નિર્ણય થઇ શકે છે. ઓછામાં ઓછા બે કેબીનેટ મંત્રીની વિદાય થશે.
આ ઉપરાંત એક સીનીયર મંત્રીને દક્ષિણ ભારતીય રાજ્યનું સંગઠન સુકાન સોંપવામાં આવશે. રાજકીય ચર્ચા એવી છે કે મોદી કેબીનેટમાં હવે જેડી યૂ, ટીડીપી, એનસીપી તથા આરએલએમ જેવા સહયોગી પક્ષોને પ્રતિનિધિત્વ મળી રહે છે. નીતીશકુમારની જેડીયૂ તથા ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીને લાભ થશે. અન્ય સાથી પક્ષોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાશે.
એમ કહેવાય છે કે રાજ્યસભામાં રીપીટ નહીં થયેલા પ્રધાનોને સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે. 70 વર્ષથી વધુની વય ધરાવતા રાજ્યસભાના સાંસદોને બદલાવીને નવા ચહેરાને તક આપવામાં આવશે.
ભાજપની સંલગ્ન મોરચાના નેતાઓને પ્રથમ ભાજપની સંલગ્ન મોરચાના નેતાઓને પ્રથમ વખત પ્રધાન મંડળમાં સ્થાન અપાઇ શકે છે. રાજકીય ચર્ચા પ્રમાણે નાણાં, રેલવે, કોર્પોરેટ બાબતો, કોલસા, ટેકસટાઇલ્સ, માહિતી-પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી, ગ્રામ વિકાસ, કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર, જળશક્તિ, કૃષિ તથા કાયદા મંત્રાલયમાં ફેરપાર થઇ શકે છે.
રાજ્યસભાની કુલ 26 બેઠકો પર 18મીએ ચૂંટણી-પેટા ચૂંટણી થવાની છે તેમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ તથા કર્ણાટકની ચાર-ચાર બેઠકોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનની ત્રણ, ઝારખંડની બે, મણીપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમની એક-એક બેઠક સામેલ છે.

