New Delhi,તા.02
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 2026ની સીઝનના મીની ઓક્શન માટે 1,000થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમાં ઘણા સ્ટાર ઇન્ડિયન પ્લેયર સામેલ છે. આ ઉપરાંત ઘણા વિદેશી સ્ટાર પણ સામેલ છે. મયંક અગ્રવાલ, કે એસ ભરત, રાહુલ ચાહર, રવિ બિશ્નોઈ, આકાશ દીપ, દીપક હુડ્ડા, સરફરાઝ ખાન, શિવમ માવી, વેંકટેશ અય્યર, ચેતન સાકરિયા, કુલદીપ સેન, નવદીપ સૈની, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી, ઉમેશ યાદવ અને સંદીપ વોરિયર જેવા ઘણા મોટા ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેમણે 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારા હરાજીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.
ક્રિકબઝ પાસે રજિસ્ટ્રેશન લિસ્ટનું ઍક્સેસ છે, જેમાં 1,355 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઇંગ્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના મોટા ઇન્ટરનેશનલ પ્લેયર્સથી 13 પાનાની એક્સેલ શીટ ભરેલી છે. કેમેરોન ગ્રીન, મેથ્યુ શોર્ટ અને સ્ટીવ સ્મિથ એવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં સામેલ છે જેમને ખરીદદારો મળવાની અપેક્ષા છે. જોશ ઇંગ્લિશ જેના લગ્નના કારણે ઉપલબ્ધતા અનિશ્ચિત છે, તેણે પણ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ લાંબા લિસ્ટમાં ઇંગ્લૅન્ડના જેમી સ્મિથ અને જોની બેયરસ્ટો, ન્યુઝીલૅન્ડના રચિન રવિન્દ્ર અને શ્રીલંકાના વાનિન્દુ હસરંગા અને મથિશા પથિરાના જેવા ખેલાડીઓ પણ સામેલ છે.
માત્ર બે ભારતીય ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઇસ 2 કરોડ છે. તેમાં એક સ્પિનર રવિ બિશ્નોઈ અને વેંકટેશ અય્યર જેમને KKR દ્વારા મેગા ઓક્શનમાં 20 કરોડથી વધુ કિંમતે ખરીદવામાં આવ્યા હતા. મેક્સિમમ બેઝ પ્રાઈસ વાળા બ્રેકેટમાં 43 વિદેશી ખેલાડીઓ છે, જેમાં કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, જેમી સ્મિથ, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક (બંને અફઘાનિસ્તાનથી), સીન એબોટ, એસ્ટન એગર, કૂપર કોનોલી, જેક ફ્રેઝર-મેકગર્ક, ઈંગ્લિસ, મુસ્તફિઝુર રહેમાન, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, ટોમ કુરેન, લિયામ ડૉસન, બેન ડકેટ, ડેનિયલ લોરેન્સ, લિયામ લિવિંગસ્ટોન, ડેરિલ મિશેલ, રચિન રવિન્દ્ર, માઈકલ બ્રેસવેલ, જેરાલ્ડ કોએત્ઝી, લુંગી એનગિડી, એનરિક નોર્કિયા, મથિશા પથિરાના, મહિશ થીક્ષણા અને વાનિન્દુ હસરંગા સહીત ઘણા ખેલાડીઓના નામે સામેલ છે.
શાકિબ અલ હસને પણ IPL માટે પોતાને ઉપલબ્ધ જણાવ્યો છે અને પોતાની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા રાખી છે. વેસ્ટ ઇન્ડિઝના શાઈ હોપ, અકીલ હુસૈન અને અલઝારી જોસેફની બેઝ પ્રાઇસ પણ 2 કરોડ રૂપિયા છે. કુલ 14 દેશોના ખેલાડીઓએ IPL હરાજીમાં રસ દાખવ્યો છે. જોકે, આમાંથી કેટલા ખેલાડીઓ શોર્ટલિસ્ટ થશે તે તો સમય જ જણાવશે, પરંતુ IPLમાં રમવા માટે ખેલાડીઓનો ક્રેઝ ઓછો નથી થયો. 10 ટીમો પાસે પર્સમાં 237.55 કરોડ રૂપિયા છે. 77 સ્લોટ ભરવાના છે, જેમાંથી 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

