New Delhi,તા.28
એવું કહેવામાં આવે છે કે ન્યાયમાં વિલંબ થવો એ ન્યાયનો ઇનકાર છે. પરંતુ ભારતની અદાલતોમાં થતો વિલંબ હવે એક અનંત વાર્તા બની ગયો છે. સુપ્રીમ કોર્ટથી માંડીને નીચલી અદાલતો સુધી લાખો કેસો ફાઈલોમાં બંધ છે અને ધૂળ ખાય રહ્યાં છે. કોઇ જેલના સળિયા પાછળ ચુકાદાની રાહ જોઇ રહ્યું છે તો કોઇ કોર્ટની તારીખોના પગલે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યું છે. આજે આપણે આ ન્યાયિક ભુલભુલામણી વિશે જાણીશું.
જેલમાં કેદીઓ કે જેઓ સજા વિનાની સજા કાપી રહ્યાં
ભારતીય જેલોમાં દર ચારમાંથી ત્રણ કેદીઓ અંડરટ્રાયલ છે, જેમને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યાં નથી. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 અનુસાર, દેશની જેલોમાં 76 ટકા કેદીઓ અંડરટ્રાયલ છે, દિલ્હીમાં આ આંકડો 90 ટકા સુધી પહોંચે છે. 2024 ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે 5.5 લાખથી કેસો વધુ અંડરટ્રાયલ છે.
ઘણા કેદીઓ વર્ષોથી ટ્રાયલની રાહ જોઈ રહ્યાં છે, તેમનાં જીવનને જેલનાં સળિયા પાછળ વિતાવી રહ્યાં છે. જર્નલ જેએએસ કોર્પસ લોમાં પ્રકાશિત એક અધ્યયનમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે અંડરટ્રાયલ કેદીઓની સંખ્યામાં વધારો થવાનું કારણ અપૂરતી કાનૂની સહાય અને ધીમી સુનાવણી પ્રક્રિયા છે.
સુપ્રીમ કોર્ટ પર પણ ભારે બોજ
સુપ્રીમ કોર્ટમાં 83,000થી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાંથી ઘણાં વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય મહત્વનાં છે. ઇન્ડિયન જર્નલ ઓફ લો એન્ડ જસ્ટિસના જણાવ્યાં અનુસાર, સુપ્રીમ કોર્ટ પાસે દર વર્ષે માત્ર 193 કાર્યકારી દિવસો હોય છે, જે આટલાં મોટા બેકલોગને સંભાળવા માટે અપૂરતાં હોય છે.
તાજેતરમાં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ સુનાવણી 27 વખત મુલતવી રાખવા બદલ અલ્હાબાદ હાઈકોર્ટની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે “વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત બાબતોમાં વિલંબ એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.”
ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ્સ (આઇસીજે)ના 2025ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા અને ડિજિટલ સુનાવણીને પ્રોત્સાહન આપવાથી થોડી રાહત મળી શકે છે.
અલાહાબાદ હાઈકોર્ટમાં 11 લાખ કેસનો ઢગલો
હાઈકોર્ટમાં કુલ 59.5 લાખ કેસ પેન્ડિંગ છે, જેમાંથી 11 લાખથી વધુ કેસ સાથે અલ્હાબાદ હાઈકોર્ટ આ યાદીમાં ટોચ પર છે. નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (એનએલએસઆઈયુ) દ્વારા કરવામાં આવેલાં એક અભ્યાસ અનુસાર, આમાંથી 3 લાખ કેસ 20 વર્ષથી વધુ જૂના છે.
બીબીસીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ફાઇલોના સંચાલન અને સૂચિની પ્રક્રિયા “સંપૂર્ણપણે પડી ભાંગી છે”. કર્ણાટક જ્યુડિશિયલ એકેડેમી દ્વારા કરવામાં આવેલાં એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની અછત અને સુનાવણીની વારંવાર મુલતવી રાખવાની પ્રથા સમસ્યાને વધુ તીવ્ર બનાવે છે.
નીચલી અદાલતો કે જ્યાં ન્યાય સૌથી વધુ અટવાય છે
દેશભરની નીચલી અદાલતોમાં 4.46 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે. ઇન્ડિયાના ઇન્ટરનેશનલ એન્ડ કમ્પેરેટિવ લો રિવ્યૂના એક લેખમાં જણાવવામાં આવ્યું હતું કે, નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની અછત અને જૂની થઇ ગયેલી પ્રક્રિયાઓ આ કટોકટી માટેનાં મુખ્ય કારણો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટમાં 1972 નો કેસ અને રાજસ્થાનમાં 1956 નો દાવો હજી પણ સુનાવણીની રાહ જોઈ રહ્યો છે.
અત્યાર સુધીના એક અહેવાલ મુજબ 70 હજારથી વધુ કેસ 30 વર્ષથી વધુ જૂના છે. 50 ન્યાયાધીશોના વૈશ્વિક ધોરણની સામે દસ લાખની વસ્તીએ માત્ર 15 ન્યાયાધીશો છે. સીપીજે લો જર્નલમાં પ્રકાશિત થયેલાં એક સંશોધનમાં સૂચવવામાં આવ્યું છે કે નીચલી અદાલતોમાં ડિજિટલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ્સ લાગું કરવાથી સમયની બચત થઈ શકે છે.
આશાનું કિરણ
નવાં મુખ્ય ન્યાયાધીશ બી.આર.રામચંદ્રન ગવાઈના નેતૃત્વમાં ન્યાયિક સુધારાની આશા છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ડિજિટલ સુનાવણી અને ઇ-ફાઇલિંગને પ્રોત્સાહન આપવા માટે પગલાં લીધાં છે. કર્ણાટક જ્યુડિશિયલ એકેડેમી દ્વારા કરવામાં આવેલાં અધ્યયનમાં સૂચવવામાં આવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેસ મેનેજમેન્ટને વેગ આપી શકે છે. સામાન્ય લોકો એ વાત પર પણ જોર આપી રહ્યાં છે કે જો ન્યાયતંત્રની ગતિ નહીં વધે તો સામાન્ય નાગરિકનો વિશ્વાસ ડગમગી શકે છે.
ન્યાયનું ચક્ર કેમ અટવાય છે ? :- ન્યાયિક સુસ્તી પાછળનાં કેટલાંક કારણો છે:
ન્યાયાધીશોની અછત : સ્ટેટ ઓફ ધ જ્યુડિશિયરીના રિપોર્ટ અનુસાર, મંજૂર કરવામાં આવેલી 25,771 ન્યાયિક જગ્યાઓમાંથી 5,293 જગ્યાઓ ખાલી છે.
મર્યાદિત કામકાજના દિવસો : સુપ્રીમ કોર્ટ 193 દિવસ, હાઇકોર્ટ 210 દિવસ અને નીચલી અદાલતો 245 દિવસ સુધી કામ કરે છે.
કામ કરવાની રીત : સુનાવણીને વારંવાર મુલતવી રાખવી, મેન્યુઅલ પેપરવર્ક અને જૂના રેકોર્ડ્સનું ડિજિટાઇઝેશન ન કરવું.
કાનૂની સહાયનો અભાવ : જેએએસ કોર્પસ લો જર્નલે અહેવાલ આપ્યો છે કે ગરીબ અને હાંસિયામાં ધકેલાઇ ગયેલાં સમુદાયો મફત કાનૂની સહાયના અભાવે લાંબી કાનૂની લડાઇનો સામનો કરે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ : કર્ણાટક જ્યુડિશિયલ એકેડમીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘણી નીચલી અદાલતોમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી.
સામાજિક અને આર્થિક અસર :-
કેસોનો બેકલોગ માત્ર કાનૂની જ નહીં, પરંતુ સામાજિક અને આર્થિક અસરો પણ ધરાવે છે. એનએલએસઆઇયુ દ્વારા કરવામાં આવેલાં એક અભ્યાસમાં જણાયું છે કે લાંબી કાનૂની પ્રક્રિયાઓ ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઘટાડે છે અને આર્થિક વિકાસને પણ અસર કરે છે, કારણ કે સંપત્તિના વિવાદો અને કરારનાં કેસો વર્ષો સુધી વણઉકેલાયેલા રહે છે.
ઉકેલનો માર્ગ શું છે ? :-
જજોની ભરતી : આઇસીજેના રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઇએ અને જજોની સંખ્યા વધારવી જોઇએ.
ડિજિટલ ક્રાંતિ : ઇ-કોર્ટ પ્રોજેક્ટને ઝડપી બનાવવાની જરૂર છે. સીપીજે લો જર્નલે નોંધ્યું હતું કે ડિજિટલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ્સ 30 ટકા સુધીનો સમય બચાવી શકે છે.
લોક અદાલત અને મધ્યસ્થતા : લો જર્નલ્સના એક લેખમાં સૂચવવામાં આવ્યું છે કે વૈકલ્પિક વિવાદ નિવારણ મિકેનિઝમને પ્રોત્સાહન આપવાથી નીચલી અદાલતો પરનું ભારણ ઓછું થઈ શકે છે.
કામના દિવસોનો વધારો : ડસ્ટી આઇએએસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ વેકેશનમાં 10-15 દિવસનો ઘટાડો કરવાથી લાખો કેસોના નિકાલમાં ઝડપ આવી શકે છે.
કાનૂની જાગૃતિ : જેએએસ કોર્પસમાં પ્રકાશિત એક લેખમાં ભાર મૂકવામાં આવ્યો છે કે કાનૂની સહાય અને જાગૃતિ અભિયાનો અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા ઘટાડી શકે છે.

