Surat,તા.૧૪
સુરતની સુરભી ડેરીમાં મોટા પાયે નકલી પનીરનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. ર્જીંય્ દ્વારા ડેરીના બે યુનિટ પર દરોડા પાડીને કુલ ૯૫૫ કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
જોકે, સૌથી મોટો સવાલ એ છે કે અગાઉ પણ સેમ્પલ ’સબ સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હોવા છતાં આરોગ્ય વિભાગે સમયસર પગલાં ન લેતાં આ ડેરી દ્વારા ગેરરીતિ ચાલુ રાખવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે.
આ સમગ્ર મામલામાં સુરત મનપાના આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આરોગ્ય અધિકારી એફ.આઈ. બ્રહ્મભટ્ટે ખુદ સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં સુરભી ડેરીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ ’સબ સ્ટાન્ડર્ડ’ (ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ) જાહેર થયું હતું.
જ્યારે અધિકારીને અગાઉના કેસમાં વિલંબ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે માત્ર ગોળગોળ જવાબ આપ્યો હતો કે, “કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે.” અધિકારીના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે સેમ્પલ ફેલ થયા બાદ પણ ડેરી સામે કોઈ અંતિમ અને સખત પગલાં લેવાયા નહોતા, જેના કારણે ગેરકાયદેસર વેચાણ ચાલુ રહ્યું.
આરોગ્ય વિભાગની ઢીલી નીતિઓના કારણે જ સુરભી ડેરીના સંચાલકો દ્વારા સતત ગેરરીતિ આચરવામાં આવતી હતી. ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે આ પનીર નકલી છે. ડેરી રોજેરોજ આશરે ૨૦૦ કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે રૂ. ૨૫૦થી ૨૭૦ પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું.
નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત થયા બાદ પણ આરોગ્ય વિભાગે ડેરીના આઉટલેટ્સને તુરંત સીઝ કરવામાં વિલંબ કર્યો હતો. અધિકારીએ સ્વીકાર્યું હતું કે ડેરીના ચાર આઉટલેટ છે, પરંતુ બે દિવસ સુધી વેચાણ પ્રવૃત્તિઓ ચાલુ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. લોકોનો રોષ અને વિવાદ વધતા આખરે આરોગ્ય વિભાગે ત્રીજા દિવસે સુરભી ડેરીના આઉટલેટ્સ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

