Paris તા.9
જર્મન ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડર ઝ્વેરેવે આખરે પોતાના કરિયરના સૌથી મોટા દુકાળનો અંત લાવી દીધો છે. રોલેન્ડ ગેરોસના ઐતિહાસિક કોર્ટ ફિલિપ-ચેટિયર પર રમાયેલી ફ્રેન્ચ ઓપન 2026 ના મેન્સ સિંગલ્સની રોમાંચક અને શ્વાસ રોકી દે તેવી ફાઇનલમાં, બીજા ક્રમાંકિત ઝ્વેરેવે ઇટાલીના ફ્લેવિયો કોબોલીને પરાજય આપ્યો હતો.
ઝ્વેરેવે 4 કલાકથી વધુ સમય સુધી ચાલેલી 5 સેટની આ લડાઈ 6-1, 4-6, 6-4, 6-7 (5-7), 6-1 થી જીતીને પ્રથમ વખત પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી પર કબજો કર્યો છે. વિજય મેળવતાની સાથે જ ઝ્વેરેવ લાગણીશીલ થઈને કોર્ટ પર જ રડી પડ્યો હતો.
મેચની શરૂઆતમાં ઝ્વેરેવે પોતાના શક્તિશાળી સર્વ અને બેઝલાઇન શોટ્સના જોરે કોબોલીને બેકફૂટ પર ધકેલી પ્રથમ સેટ સરળતાથી 6-1 થી જીતી લીધો હતો. જોકે, પ્રથમ વખત કોઈ મોટી ફાઇનલમાં રમી રહેલા 10મા ક્રમાંકિત ઇટાલિયન ખેલાડી ફ્લાવિયો કોબોલીએ અદભુત વાપસી કરી બીજો સેટ 6-4 થી પોતાના નામે કર્યો હતો.
ત્રીજા સેટમાં ઝ્વેરેવે અનુભવનો ઉપયોગ કરી 6-4 થી જીત મેળવી, પરંતુ ચોથા સેટના રોમાંચક ટાઈબ્રેકરમાં કોબોલીએ બાજી પલટીને સેટ 7-6 (7-5) થી જીતી મેચને 5મા સેટમાં લંબાવી હતી.
નિર્ણાયક સેટમાં ઝ્વેરેવે ધૈર્ય જાળવી રાખી કોબોલીની સર્વિસ બ્રેક કરી અને આખરી સેટ 6-1 થી જીતી ઇતિહાસ રચી દીધો હતો.

