New Delhi, તા.9
આગામી 11 જૂન 2026થી શરૂ થઈ રહેલાં ફૂટબોલના મહાકુંભ ફીફા વર્લ્ડ કપમાં આર્જન્ટિના, ફ્રાન્સ જેવી દિગ્ગજ ટીમોનાં ખેલાડીઓ ઉપરાંત તમામ ફેન્સ માટે પણ આકરી કસોટી થવાની છે. ગરમીની સ્થિતિ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારાં ખેલાડીઓની મેડિકલ ફિટનેસ અને તેમની ગરમી સહન કરવાની ક્ષમતા પર એક મોટું રિસર્ચ કરવામાં આવ્યું છે.
નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની ચેતવણી બાદ ચિંતા વધી ગઈ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આગામી સમયમાં રમાનારી ફીફા વર્લ્ડ કપની 104 મેચોમાંથી 39 મેચો અત્યંત જોખમી હવામાન પરિસિ્થતિઓ વચ્ચે રમાશે.
આ રિસર્ચમાં યુએસએ, મેક્સિકો અને કેનેડાના 16 સ્ટેડિયમોમાં ઉનાળા દરમિયાન અનુભવાતી ગરમીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે જ્યારે આ મેચો રમાશે ત્યારે ત્યાં ગરમીનું પ્રમાણ ચરમસીમા પર પહોંચી ગયું હશે.
અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના રિસર્ચર્સની ટીમે વિશ્વ કપના તમામ સ્થળોનાં વાતાવરણનું વિશ્લેષણ કર્યું છે. ત્યારબાદ તેમણે આ જોખમ અંગે ચેતવણી જાહેર કરી છે.
ખેલાડીઓ બેહોશ થવાની ભીતિ
રિસર્ચમાં એ વાત સામે આવી છે કે મેચ દરમિયાન જો ગરમી વધશે તો ખેલાડીઓમાં હીટ સ્ટ્રોકનું જોખમ 33 ટકા વધી જશે. ગરમીની તીવ્ર અસરોના કારણે ખેલાડીઓ મેદાન પર જ બેહોશ થઈ જવાનાં કિસ્સા પણ સામે આવી શકે છે.
હીટ ઈન્ડેક્સના આધારે તૈયાર કરાયેલાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો બપોરનાં સમયે કે આકરા તડકામાં મેચ રમાશે તો ખેલાડીઓની રિકવરી પ્રોસેસ પર અસર પડશે. એટલે કે મેચમાં અપાતો 15 મિનિટનો હાફ-ટાઇમ બ્રેક પણ ખેલાડીઓની થાકેલી માંસપેશીઓને સામાન્ય કરવા માટે 30 ટકા જેટલો ઓછો સાબિત થશે. વૈજ્ઞાનિકોના મતે, વર્ષ 2026માં રમાનારી ટૂર્નામેન્ટમાં મેચનાં સ્થળોની પસંદગી ઉચ્ચ જોખમ ધરાવતી શ્રેણીમાં આવે છે.
વેધર કન્ડિશન મોનિટરિંગ :
મોનિટરિંગ કરતી વખતે અલગ-અલગ શહેરોનાં તાપમાનના રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે સ્ટેડિયમની અંદરનું તાપમાન માત્ર થર્મોમીટર વડે માપવામાં નથી આવતું, પરંતુ તેમાં હવામાં રહેલો ભેજ (હ્યુમિડિટી), પવનની ગતિ અને સૂર્યપ્રકાશના સીધાં કિરણોની તીવ્રતાના આધારે ‘વેટ બલ્બ ગ્લોબ ટેમ્પરેચર’ (WBGT) માપવામાં આવે છે.
ઓક્સફોર્ડ અને અન્ય યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોની ટીમે પણ ફૂટબોલ એસોસિએશનના મેડિકલ સ્ટાફ અને મેચ અધિકારીઓને કડક સૂચના આપી છે કે ગરમીનાં વાતાવરણને નિયંત્રિત રાખવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી પૂરી કરી લેવામાં આવે.
ફીફાએ પણ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઓફિશિયલ ગાઈડલાઈન બહાર પાડી છે. સત્તાવાર મેચો દરમિયાન ખેલાડીઓને મેદાન પર જ હાઈડ્રેટેડ રાખવા માટે ખાસ ‘હાઈડ્રેશન બ્રેક’ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બ્રેક મેચનાં નિર્ધારિત સમય ઉપરાંત વધારાનાં સમય ઈન્જરી ટાઈમ તરીકે ગણવામાં આવશે, જેથી રમત અને ખેલાડીઓ બંને સુરક્ષિત રહી શકે.
જ્યાં તાપમાન વધારે છે, તે મેદાનો પર છત નથી
મિયામી, હ્યુસ્ટન, ડલાસ અને એટલાન્ટામાં સરેરાશ તાપમાન આશરે 29 ડિગ્રી સેલ્સિયસ રહે છે, જે દર્શાવે છે કે આ સ્ટેડિયમોમાં એર કન્ડિશનિંગની સુવિધા ઉપલબ્ધ છે. આનાથી વિપરીત, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા અને કેન્સાસ સિટી જેવા શહેરોનાં સ્ટેડિયમોમાં ઉપર કોઈ છત નથી. રિસર્ચ અનુસાર, જ્યાં ઓપન સ્ટેડિયમ છે ત્યાંનું સરેરાશ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે.
ઓપન સ્ટેડિયમમાં રમત રમાવાની હોવાથી રમતવીરો સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવશે, જેના કારણે વાતાવરણ વધુ ગરમ અનુભવાશે. આ સ્થિતિ ખેલાડીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે ત્યાં ગરમી માત્ર તાપમાન પર જ નહીં, પરંતુ હ્યુમિડિટી પર પણ નિર્ભર કરે છે. સંશોધકોએ પ્રત્યેક યજમાન શહેરનાં પાછલાં 20 વર્ષનાં તાપમાનના આંકડા, મેચનાં નિર્ધારિત સમય અને ગરમી સાથે જોડાયેલા ઈન્ડેક્સના આધારે આ મૂલ્યાંકન કર્યું છે.
મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોથી પણ વધશે ગરમી
એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિક જેનિફર વેનનીએ જણાવ્યું કે, “જ્યારે કોઈ આયોજન રાત્રે થાય છે ત્યારે ગરમીથી બચવાની આશા રહે છે, પરંતુ જો ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને અસ્વસ્થ લોકો એવા સ્થળો પર ભેગા થાય છે જ્યાં હવાની અવરજવર એટલે કે વેન્ટિલેશન બરાબર નથી, તો જોખમ ઘણું વધી જાય છે.”
તેમણે વર્ષ 2014માં બ્રાઝિલમાં યોજાયેલા વર્લ્ડ કપના એક કિસ્સાનો ઉલ્લેખ પણ કર્યો, જ્યાં ભીષણ ગરમીના કારણે સ્ટેડિયમમાં હાજર એક પ્રશંસકે ગરમીથી બચવા માટે આખી મેચ વોશરૂમની અંદર ઈન્ટરનેટ કનેક્શનના સહારે વિતાવી દીધી હતી.
સ્વાસ્થ્ય સંગઠનોએ આ વિશ્લેષણ કર્યું છે. આ અભ્યાસમાં 104 મેચોમાંથી વિશ્વ કપની 39 ટકા મેચો અત્યંત ગંભીર સ્થળો અને સમય પર રમાશે, જે ખેલાડીઓની મુશ્કેલી બેવડાવી શકે છે.
શોધ : દોઢ કલાકની મેચમાં 3-4 લીટર સુધી પરસેવો નીકળી જાય છે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઊંચા તાપમાનમાં 90 મિનિટની મેચ રમવા દરમિયાન એક ખેલાડીના શરીરમાંથી 3 થી 4 લીટર જેટલું પાણી પરસેવાના સ્વરૂપમાં બહાર નીકળી જાય છે.
જો આની તાત્કાલિક ભરપાઈ કરવામાં ન આવે તો : ખેલાડીનું માનસિક સંતુલન, નિર્ણય લેવાની ક્ષમતા અને માંસપેશીઓની શક્તિ 20 ટકા સુધી ઘટી જાય છે. જોખમી તાપમાનમાં ખેલાડીઓના શરીરનું આંતરિક તાપમાન 104 ડિગ્રી ફેરનહીટને પાર થઈ શકે છે. ખેલાડીઓ બેહોશ પણ થઈ શકે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સાંજે રમાયેલી મેચોની સરખામણીએ બપોરે રમાયેલી 33 મેચોમાં ખેલાડીઓની ઝડપથી દોડવાની ક્ષમતા 15 થી 25 ટકા સુધી ઘટી ગઈ.આવી સ્થિતિમાં ખેલાડીઓ થાકના કારણે મેદાન પર એટલો એરિયા કવર નથી કરી શકતાં, જેટલો સામાન્ય રીતે ખેલાડીઓ સામાન્ય હવામાનમાં કવર કરી લેતાં હોય છે. મેચની શરૂઆતની 15 મિનિટની સરખામણીએ રમતની છેલ્લી 15 મિનિટમાં ખેલાડીઓની સ્પ્રિન્ટ એટલે કે તીવ્ર ઝડપે દોડવાની ક્ષમતા 30 ટકા સુધી ઘટી ગઈ.

