Manila, તા.9
ફિલિપાઇન્સમાં 7.8ની તિવ્રતાના ભૂકંપથી તારાજી સર્જાયા બાદ આજે ક્યૂબામાં 6.1નો ભૂકંપ ત્રાટક્યો હતો અને તેની ધ્રુજારી છેક મેકસીકોના કૈનકન તથા અમેરિકાના ફલોરિડા સુધી અનુભવાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મંટુઆથી 104 કિ.મી. દૂર 26 કીમીની ઉંડાઇએ હતું.
સિસ્મોલોજી નિષ્ણાતોના કહેવા પ્રમાણે ક્યુબાના ઉત્તર પશ્ચિમી કાંઠે આ ભૂકંપ આવ્યો હતો. ક્યૂબા, મેકસીકો અને ફલોરીડાના એવા ભાગો ધ્રુજ્યા હતા. જ્યાં સામાન્ય રીતે ભૂકંપ આવતા નથી. ભૂકંપને પગલે અફડાતફડી મચી હતી. લોકો બહાર દોડ્યા હતા.
આગમચેતીના ભાગરૂપે અનેક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. જો કે, જાનમાલને કોઇ નુકશાન થયું નથી. ક્યૂબા દાયકાઓથી આર્થિક સંકટમાં ઘેરાયેલું છે. ભૂકંપથી જર્જરિત ઇમારતો પર જોખમ સર્જાયું હતું.
મેક્સિકોમાં જ્યાં ધ્રુજારી અનુભવાઇ તે ક્ષેત્રોના લોકોને ભૂકંપની આદત ન હતી પરિણામે નાસભાગ મચી હતી. મકાનો-ઇમારતો ખાલી થઇ ગયા હતા. સરકારે ઇમરજન્સી પ્રોટોકોલ લાગૂ કરી દીધા હતા.

