Rajkot, તા.9
છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલા ખાડી યુધ્ધે ભારત સહિત સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. પેટ્રોલ-ડિઝલ અને ગેસમાં સતત ભાવ વધારા સાથે અછત પણ વર્તાઇ રહી છે. આથી ખાસ કરીને ભારતની આમ જનતાનાં જનજીવન ઉપર ભારે પ્રતિકુળ અસર થઇ રહી છે અને મોંઘવારીએ લોકોને ભરડો લઇ લીધો છે.
દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં ભાવવધારો તો થઇ જ રહ્યો છે. બીજી તરફ સરકારને ઇંધણ અને ગેસની બચત માટે સતત કરકસરનાં પગલા પણ લેવા પડી રહ્યા છે.
આવા જ એક વધુ પગલાના ભાગરૂપે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને અપાતા સબસીડી વાળા રાંધણ ગેસ સિલિન્ડરની ફાળવણીમાં પણ કાપ મૂકી દીધો છે. કેન્દ્ર સરકાર અત્યાર સુધી પરિવાર દીઠ વર્ષે 9 રાંધણગેસ સિલિન્ડર, સબસીડી સાથે આપતી હતી.
હવે આવા સિલિન્ડરની ફાળવણીમાં કાપ મુકી સરકારે વર્ષે 4-સિલિન્ડર ફાળવવાનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણયની અમલવારી પણ આજથી જ શરુ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં જ 1,74,177 લોકો ઉજ્જવલા યોજના હેઠળ આવા સબસીડી યુક્ત સિલિન્ડર તો, લાભ મેળવી રહ્યા છે. આવા લાભાર્થીઓને હવે વર્ષે 9ને બદલે 4 જ સિલિન્ડર ફાળવાશે.
આમ છેલ્લા કેટલાંક સમયથી મોંઘવારીમાં પિસાતા ગરીબ અને મધ્યમ વર્ગને ફરી એક ફટકો પડ્યો છે અને હવે આવા પરિવારોએ ગેસનો ઉપયોગ પણ ખૂબ જ સમજી વિચારીને કરવો પડશે.

