Surendranagar, તા.9
લખતર શહેરનું મુખ્ય એસટી બસ સ્ટેન્ડ આજે પણ મૂળભૂત સુરક્ષા સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે. બસ સ્ટેન્ડ પર લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા બેએક વર્ષથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
દરરોજ હજારો મુસાફરો લખતર બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વૃદ્ધ મુસાફરો માટે સીસીટીવી કેમેરા સુરક્ષાનું મહત્વનું સાધન મનાય છે. પરંતુ કેમેરા બંધ હોવાને કારણે કોઈ ચોરી, ઝઘડો કે અન્ય અનિચ્છનીય બનાવ બને તો તેના પુરાવા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
લોકોનું કહેવું છે કે, રાજકોટ વિભાગીય નિયામક કચેરી દ્વારા લખતર બસ સ્ટેન્ડની જાળવણી પ્રત્યે સતત ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડની અન્ય સુવિધાઓની સાથે સીસીટીવી સિસ્ટમ પણ લાંબા સમયથી બંધ હોવા છતાં તેને કાર્યરત કરવા કોઈ પ્રયાસો કરાયા નથી. ત્યારે આ કેમેરા તાત્કાલિક અસરથી શરૂ કરાયો એવી માંગ ઉઠવા પામી છે.

