Surendranagar,તા.09
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજરોજ, 8 જૂન, સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થયો છે.
છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓના કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે.
વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના સ્વાગત માટે આચાર્ય, શિક્ષકો સહિતનો સ્ટાફ શાળાના ગેટ પર ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને અને મોઢું મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોને પગે લાગી આશીર્વાદ લીધા હતા.શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં જૂના અને નવા મિત્રોને મળવાને લઈને અલગ જ ખુશી જોવા મળી હતી. જોકે, નાના ભૂલકાઓને વાલીઓ શાળાએ છોડીને જતાં કેટલાક બાળકો રડવા લાગ્યા હતા.

