Bhavnagar, તા.9
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતને લઈ એક શખ્સે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરી તેમની કાર, દુકાન અને અન્ય મિલકતોમાં તોડફોડ કરતાં પોલીસ ફરિયાદ નોંધાય છે.
બનાવ ની વિગત એવી છે કે ભાવનગરની સ્નેહમિલન સોસાયટીના પ્લોટ નં. 64/બી ખાતે રહેતા અને ઘર નજીક કરિયાણાની દુકાન ચલાવતા સતારભાઈ અબ્રાહમભાઈ ઉચડીયાએ બે વર્ષ અગાઉ સાબિર છોટુભાઈ ચુડેસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની અદાવત રાખી આરોપી ગત મોડી રાત્રે લોખંડની પાઈપ સાથે સતારભાઈના ઘરે પહોંચ્યો હતો અને અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો હતો.
સતારભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ઘર બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ કરિયાણાની દુકાનના શટર પર પાઈપના ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત બાથરૂમની પાઈપ તોડી નાખી હતી તેમજ સીસીટીવી કેમેરા અને ઘરના દરવાજાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
યુવક પર જીવલેણ હુમલો
ભાવનગર શહેરની સરિતા સોસાયટી વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં જમણવાર દરમિયાન સામાન્ય બાબતે થયેલા બોલાચાલીનો બનાવ જીવલેણ હુમલામાં પરિણમ્યો હતો. રસની વધુ વાટકી માંગવાની બાબતે ઉગ્ર બોલાચાલી થતાં ત્રણ શખ્સોએ એક યુવક પર લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે બોરતળાવ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

