માર્કેટિંગ યાર્ડ પાસે ગેરકાયદેસર વેચાણ કરવા આવેલા શખ્સને પોલીસે દબોચી લીધો
(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૯ઃ
જીલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે Surendranagar એસ.ઓ.જી. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ધાંગધ્રા વિસ્તારમાંથી ૧ કિલો અને ૮૮૦ ગ્રામ સૂકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ની ટીમને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇસમ ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ નજીક ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ (ગાંજા) નું વેચાણ કરવાના ઈરાદે આવી રહ્યો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇસમને ઝડપી લીધો હતો. તેની ઝડતી લેતા તેની પાસેથી ગેરકાયદેસર સૂકો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેગેરકાયદેસર નશીલો પદાર્થ ૧ કિલો ૮૮૦ ગ્રામ સૂકો ગાંજો અન્ય ચીજવસ્તુઓ ગુનામાં વપરાયેલ મોબાઇલ ફોન અને અન્ય રોકડ/સામગ્રી કુલ કિંમત અંદાજે રૂ. ૧,૦૪,૫૦૦ લાખથી વધુનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી આ મામલે પકડાયેલા આરોપી વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ નશીલો પદાર્થ તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો, તે દિશામાં પોલીસે આગળની તપાસ ચાલુ કરી છે.સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ની આ સફળ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓ અને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

