(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
Jamnagarની એક મહિલાના ફોટોગ્રાફ્સનો તેની મંજૂરી વગર ઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એડિટ કરેલો વીડિયો વાયરલ કરીને બદનામી પહોંચાડવાના આક્ષેપ સાથે રાજકોટ ના કોટડાસાંગાણીના એક શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર રીલ્સ જોતી વખતે તેમને પોતાના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ એક વીડિયો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી વિસ્તારના મનસુખ ગોવિંદભાઈ રાઠોડનો ફોટો તેમજ ફરિયાદીના ફોટોગ્રાફ્સ સાથે લખાણ ઉમેરીને એડિટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ફરિયાદ અનુસાર વીડિયોમાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું અને બદનામી થાય તેવા શબ્દો તથા ઉશ્કેરણીજનક લખાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો યુટ્યુબ ચેનલ ‘‘ધ વાયરલ વોઈસ ૬૨૬૪૨‘‘ પર અપલોડ કરીને વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.મહિલાએ આરોપ મૂક્યો છે કે તેમની મંજૂરી વગર ફોટોગ્રાફ્સ મેળવી તેનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા મારફતે તેમની બદનામી કરવામાં આવી છે. બનાવ અંગેની પેન ડ્રાઈવ સહિતની સામગ્રી પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

