દુબઈ,મસ્કત સહિત દેશ વિદેશથી સદભાવનાના દાતાઓ-સહયોગીઓ યજમાનપદે બિરાજ્યા
RAJKOT,તા.૨૦
રાજકોટસદભાવના વૃદ્ધાશ્રમના વડિલો અને વૃક્ષોના લાભાર્થે આગામી તા.૨૩મીથી યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા પૂર્વે આજે દેવોને આહવાન કરવા વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૦૮ કુંડ માનસ સદભાવના યજ્ઞ દિવ્ય વાતાવરણમાં સંપન્ન થયો.
વૈશ્વિક રામકથા ‘‘માનસ સદભાવના’’ માં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાયો હતો, દરેક કુંડ પર એક એમ કુલ ૧૦૮ ઉપાચાર્યો એ યજ્ઞ કરાવ્યો હતો.યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાસ્ત્રોક્ત વિધિથી ‘‘શ્રી રામ નામની‘‘ આહુતિઓ અર્પણ કરી હતી, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્ર, શ્રી ગણેશ મંત્ર અને શ્રી લક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાયું હતું. આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દીધું. સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કૃતિના દર્શનની પણ ઝાંખી થઇ હતી.
દરેક કુંડ પર ૨ યજમાન દંપતી એટલે કે ૨૧૬ યજમાન દંપતીએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના બહેનોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ આપી દેવોને આહવાન કર્યું હતું.આ યજ્ઞની વિશેષતા એ રહી કે યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય એમાં ક્યાંય પર્યાવરણને નુકસાન કરે એવી પ્લાસ્ટિક સહિતની કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ઉપરાંત યજમાન દંપતીઓને પણ રીસાઈકલેબલ મટિરિયલ એટલે કે કાગળ અને કાપડની બેગ વગેરે આપવામાં આવ્યું હતું.
યજ્ઞમાં સહભાગી થવા દુબઈ,મસ્કત સહિત વિશ્વભરમાંથી સદભાવનાના દાતાઓ અને શુભેચ્છકો પધાર્યા હતા તો રાજકોટ જિલ્લા કલેક્ટર પણ યજ્ઞમાં યજમાનપદે રહ્યા હતા. દરેક યજમાનોને આગલે દિવસે જ ધોતી,ખેસ સહિતની કીટ પહોંચાડી દેવામાં આવી હતી.પુરુષ યજમાનો ધોતી કુર્તા સાથે પરંપરાગત વસ્ત્રોમાં યજ્ઞમાં બેઠા હતા. યજમાન દંપતીઓને યજ્ઞની પ્રસાદી રૂપે તાંબાનું તરભાણું પંચપાત્ર સહિતનો સેટ,રુદ્રાક્ષની માળા અને પૂજનમાં રાખેલી સોપારી અર્પણ કરવામાં આવી હતી