રાજકોટ શહેરના ત્રણ, વલસાડ, મુંબઈ અને દિલ્હીમાં વાહનોની ડેકી તોડી ગુનાને અંજામ આપતા : રૂા.૬.૫૮ લાખનો મુદામાલ કબ્જે
Rajkot , તા.૨૦
રાજકોટ સહિત દેશભરમાં વાહનોની ડેકી તોડી ગુનાને અંજામ આપતી છારા ગેંગની બેલડીને ક્રાઈમ બ્રાંચને ઝડપી લઈ ૭ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં ત્રણ, વલસાડ, મુંબઈ અને દિલ્હીમાં ગુનાની અંજામ આપ્યાની કબુલાત આપી છે. પોલીસે રૂા.૬.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણઉકેલ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ આપેલી સુચનાએ પગલે ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એમ.આર.ગોંડલીયા અને એમ.એલ.ડામોર માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એન.પરમાર સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ત્યારે અમદાવાદની વિસ્તાર મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ શેવાણી અને ચંદ્રકાંત ઉર્ફે સોનુ જયંતિ પરમાર નામના શખ્સો શહેરમાં ચોરીના ગુનાને અંજામ આપવા આવ્યા હોવાની હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાની મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી ત્યારે બન્ને શખ્સો ગુનાને અંજામ આપે તે પૂર્વે ઝડપી લીધા હતા.
ઝડપાયેલા બન્ને શખ્સોની પુછપરછ કરતા માલવીયાનગર અને આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં મળી ત્રણ સ્થળોએ ચોરી કર્યાની તેમજ વલસાડ, મુંબઈના મલાડ અને કાંદિવલી અને જ્યારે દિલ્હી ખાતે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ, મોટર સાયકલ, બે મોબાઈલ મળી રૂા.૬.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા પંકજ જવાહર રાઠોડ અને વિશાલ ગારંગીને ઝડપી લેવા દોડધામ આદરી છે.