Rajkot,તા.26
શહેરના ભક્તિનગર પોલીસની હદમાં આવતા હરિધવા રોડ નજીક આવેલ મોરારીનગર વિસ્તારના રહેણાંક મકાનમાંથી રૂ. 65 હજારની રોકડ સહીતની કુલ રૂ. 70 હજારની ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યો શખ્સ ઘરની ડેલી કૂદી અંદર ચોરી કરી નાસી ગયાનું સીસીટીવી ફૂટેજમાં ધ્યાને આવતા પોલીસે અજાણ્યા તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
કૌશલભાઈ મહેશભાઇ માધાણી(ઉ.વ. ૨૯ રહે. મોરારીનગર શેરી નં.-6, જલારામ કૃપા મકાન) નામના યુવાને ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કુવાડવા રોડ મેંગો માર્કેટમાં આવેલ બાલાજી ફ્રુટ નામની દુકાનમા મેતાજી તરીકે નોકરી કરે છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.૨૩/૧૨/૨૦૨૪ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ હું તથા મારા મમ્મી વર્ષાબેન બંન્ને અમારા ઘરને તાળું મારી બહાર નીકળેલ, જેમા મારા મમ્મીને માતાજીના દર્શને જવુ હોઈ જેથી ઢેબર રોડ પર ખોડીયાર માતાના મંદીરે દર્શન કરી ત્યાથી તેમને મારા પિતાજી કે જેઓ લક્ષ્મીનગર શાક માર્કેટ ખાતે ધંધો કરે છે ત્યા મુકી ત્યાથી હું સીધો મારા પત્ની મમતા જે તેના પિયર હોઈ તેને લેવા પુષ્કરધામ સોસાયટી, યુનિવર્સીટી રોડ ખાતે ગયેલ હતો.
રાત્રીના સવા દસેક વગ્યાની આસપાસ મારા પિતાનો મને ફોન આવેલ કે, આપણા ઘરના મેઇન દરવાજાનુ તાળુ અને નકુચો તુટેલ છે તેમજ કબાટનો દરવાજો ખુલ્લો છે અને બધી ચીજ વસ્તુ વેર વીખેર પડેલ છે, તુ ઘરે આવી જા. જેથી હું તથા મારા પત્ની મમતા બન્ને તાત્કાલીક મારા ઘરે આવી ગયાં હતા. જે બાદ કબાટમાં જોતા કબાટના ખાનામાં રાખેલ પિતાના ધંધાના રૂપીયા ૬૫,૦૦૦ રોકડા તથા મારી દીકરીના જન્મ બાદ છઠ્ઠી વખતે સગા સંબંધીએ ગીફટ મા આપેલ ચાંદીની નાની મોટી વસ્તુ જેમા ઝાંઝરી, સાકળા, હાથના કડલા બે જોડી વિગેરે જેની કુલ કીમત રૂપિયા ૫૦૦૦ ગણી શકાય તે તમામ ચીજ વસ્તુ હતી નહી. અમે અમારા પાડોશીના સી.સીટીવી કેમેરા જોતા માલુમ પડેલ કે રાત્રીના પોણા દસેક વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ ઘરની ડેલી ઠેકી અંદર આવતો જોવામા આવે છે.ભક્તિનગર પોલીસે યુવકની ફરિયાદ પરથી ગુનો નોંધી રૂ. 70 હજારની મતા ઉઠાવી જનાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.