વરુણ ધવને કલાકારો અને તેમની ઓળખનો દુરુપયોગ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
Mumbai, તા.૧૮
આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ ટૂલની મદદથી અનેક પ્રકારની નકલી તસવીરો બની રહી છે અને આવી અસંખ્ય તસવીરો સોશિયલ મીડિયો પર પોસ્ટ થઈ રહી છે. આ સ્થિતિમાં ઘણા લોકોની તસવીરોનો દરુપયોગ પણ ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, ખાસ કરીને ફિલ્મ અને ટીવીના કલાકારોની વિવિધ પ્રકારની ફેક તસવીરો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. તાજેતરમાં જાહન્વી કપૂર અને વરુણ ધવનની ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ના ટ્રેલર લોંચની ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં વરુણ ધવન અન જાહન્વી કપૂરે એઆઈથી થતાં નુકસાન અને તેના ગેરફાયદાની વાત કરી હતી. જાહન્વી કપૂરે એઆઈના કારણે કલાકારોની વધી રહેલી ચિંતા બાબતે વાત કરતાં જણાવ્યું, “જ્યારે હું સોશિયલ મીડિયા પર જોઉં છું, તો મારી ઇચ્છા વિરુદ્ધ મારી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ થતી હોય છે. તમે અને હું સમજી જઈશું કે આ એઆઈ ઇમેજ છે, પરંતુ સામાન્ય માણસને લાગશે કે આ તો આવું પહેરીને પહોંચી ગઈ.” જાહન્વીએ પોતાના એ બાબતે જુનવાણી વિચારોવાળી ગણાવીને સર્જનાત્મકતા અને આધારભૂત માહિતીના મહત્વની પણ વાત કરી હતી. વરુણે પણ જાહન્વીના આ વિચારો સાથે સહમતી દર્શાવતા જણાવ્યું હતું કે એક તરફ ટેન્કોલોજીએ નવા દ્વાર ખોલી નાખ્યા છે, ત્યારે બીજી તરફ તેના ગંભીર નકારાત્મક પરિણામો પણ છે. વરુણે જણાવ્યું, “ટેન્કોલોજીથી ચોક્કસ મદદ મળે છે, પરંતુ તેની નકારાત્મક બાબતો પણ છે. કાયદા અને નિયમોએ કલાકારો અને તેમની ઓળખનો દુરુપયોગ થતો અટકાવવાની જરૂર છે.” આ સિવાય વરુણે એવું પણ કહ્યું કે કલાકારોની ઓળખ અને તેમની છાપ જ તેમની સૌથી અલગ ઓળખ છે, તેને કોઈ સોશિયલ મીડિયા અલગોરિધમ બદલી શકશે નહીં. ખાસ તો થોડાં વખત પહેલાં આનંદ એલ.રાયની ફિલ્મ રાંઝણાને એઆઈની મદદથી અંત બદલીને તમિલમાં ફરી રિલીઝ કરવામાં આવી ક્યારે આ ચર્ચા અને વિવાદને લોકોએ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. ધર્મા પ્રોડક્શનની વરુણ અને જાહન્વીની આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થશે.