Morbi, તા.1
મોરબીના લાલપર ગામ પાસે એસએમસીની ટીમે માર્ચ 2024 માં ગોડાઉન રેડ કરી હતી ત્યારે ત્યાંથી 1.51 કરોડ રૂપિયાનો દારૂ અને મુદામાલ મળીને 2.20 કરોડનો મુદામાલ કબ્જે કરીને પોલીસે સ્થળ ઉપરથી 10 આરોપીને પકડાયા હતા અને આ ગુનામાં મોરબી એલસીબીની ટીમે માલ મંગાવનાર બુટલેગરોની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી આધારે એસએમસીની ટીમે માર્ચ 2024 માં રેડ કરી હતી.
ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ 10 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને 21 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે 1.51 કરોડની દારૂની 61152 બોટલ સહિત કુલ મળીને 2,20,90,440 નો મુદામાલા કબ્જે કર્યો હતો.
આ ગુનામાં અત્યાર સુધીમાં એલસીબીની ટીમે કુલ મળીને 24 આરોપીને પકડ્યા છે અને હાલમાં વધુ એક આરોપી દિપેશ ઉર્ફે રાહુલ પુનાભાઇ પટણી (37) રહે. અંબાજી માતાના મંદિર પાસે અંધેરી ઈસ્ટ મુંબઈ મૂળ રહે ચિત્રોડ તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં પકડાયેલ આરોપી દારૂનો જથ્થો પંજાબ અને ગોવાથી મંગાવનાર આરોપી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે. અને આ ગુનામાં હજુ પણ ઘણા આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

