Kutch,તા.12
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. 28) આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી.
પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડી હતી. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની માસૂમ દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઉંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા.

