Ahmedabad,તા.12
અમદાવાદ જિલ્લાના ધોળકા-ઇંગોલી રોડ પર વન વિભાગ દ્વારા કેડીલા અને કોનકાર્ડ કંપની દ્વારા મોટી સંખ્યામાં ઉછેરવામાં આવેલા વિવાદાસ્પદ અને જોખમી ‘કોનોકાર્પસ’ (Conocarpus) વૃક્ષોને તાત્કાલિક અસરથી જડમૂળથી કાઢી નાખવાનો આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકરની ફરિયાદના આધારે જાહેર આરોગ્ય અને માર્ગ સલામતી માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.સામાજિક કાર્યકર જીતેનકુમાર સમ્રાટની ફરિયાદ બાદ વન વિભાગે ગંભીરતાથી કાર્યવાહી કરી છે. વન વિભાગના આદેશમાં આ વૃક્ષો દ્વારા પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ઊભા થયેલા ગંભીર ખતરાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
આરોગ્ય જોખમ: શિયાળાની ઋતુ દરમિયાન આ વૃક્ષોના ફૂલોની પરાગરજ આજુબાજુ ફેલાય છે, જેના કારણે લોકોમાં શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા શ્વાસ સંબંધિત રોગો ફેલાવવાની શક્યતા છે.માળખાકીય નુકસાન: આ વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાઈને ભૂગર્ભ કેબલ, ડ્રેનેજ લાઇન અને પાણીની પાઇપલાઇનને પણ નુકસાન પહોંચાડી શકે છે.માર્ગ સલામતી: ધોળકાથી ઇંગોલી જતા માર્ગ પર કેડીલા કંપની દ્વારા વાવવામાં આવેલા આ ઝડપી વૃદ્ધિ ધરાવતા વૃક્ષો મોટા થઈ જતાં રોડની બંને બાજુ માર્ગ પર આવી ગયા છે, જેના કારણે રોડ સાંકડો થયો છે અને વાહનચાલકોને અકસ્માત થવાનું જોખમ વધી ગયું હતું.જાગૃત નાગરિક જીતેનકુમાર સમ્રાટની ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે કેડીલા અને કોનકાર્ડ કંપનીને તાત્કાલિક અસરથી રોડ પરના તેમજ તેમના કમ્પાઉન્ડમાં આવેલા આવા તમામ જોખમી કોનોકાર્પસ વૃક્ષોને દૂર કરવા માટે આદેશ આપ્યો છે.આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કોનોકાર્પસના ઉછેર પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અને તેને દૂર કરવા માટેની સૂચનાના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે, જેથી નાગરિકોના જીવનની સલામતી અને આરોગ્યનું રક્ષણ થઈ શકે.

