New Delhi,તા.12
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે ભુતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી ઍરપોર્ટથી સીધા હૉસ્પિટલ પહોંચ્યા હતા.
પીએમ મોદીએ ઘાયલો સાથે મુલાકાત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. હોસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરોએ પણ તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમજ આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આ ષડયંત્ર પાછળ જે લોકો છે, તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે.’
સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી દેશભરમાં અફરા-તફરીનો માહોલ બની ગયો હતો અને અનેક સ્થળો પર હાઇઍલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ ભુતાન પ્રવાસ દરમિયાન દિલ્હી બ્લાસ્ટની ઘટના વિષે પોતાનું પ્રથમ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાબતે તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.’

