Amreli,તા.૧૨
ગુજરાતના અમરેલી જિલ્લામાં ગૌહત્યાના એક જઘન્ય ગુનામાં નામદાર કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગૌવંશનું કતલ કરતા કસાઈઓ માટે ’લાલબત્તી સમાન’ ગણાવીને જણાવ્યું હતું કે, ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. ગૌહત્યા જેવા ગુના માટે રાજ્ય સરકાર કોઈ દયા દાખવશે નહીં.જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતલ કરીને તેનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ જઘન્ય ગુના બદલ પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ, ગઈકાલે અમરેલીની નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવીને ઐતિહાસિક સજા આજીવન કેદ અને રૂ. પાંચ લાખના દંડની સજા ફરમાવી છે.આ કડક સજા પાછળના કાયદાકીય ઇતિહાસ પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૧માં સૌપ્રથમવાર ગૌવંશના કતલ સામે આ કડક કાયદો અમલમાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ કડક બનાવવામાં આવ્યો, જેમાં આજીવન કારાવાસની જોગવાઈ ઉમેરાઈ હતી. આ કાયદો ગૌહત્યા કરનારાઓને સૌથી કડક સજા આપવાની જોગવાઈ સાથે દેશમાં અગ્રેસર છે, અને આજે એ જ કાયદો ન્યાયનો નવો ઇતિહાસ રચી રહ્યો છે.
જીતુ વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે ગૌમાતા સાથે અન્યાય કરનારાઓને રાજ્ય સરકાર સખત હાથે કાયદાકીય પાઠ ભણાવશે. આ ઐતિહાસિક ચુકાદા બાદ ભવિષ્યમાં ગૌવંશ હત્યાની પ્રવૃત્તિનો વિચાર કરતા તત્વો પણ ધ્રૂજી ઉઠશે.

