પત્રમાં ભગા જાદવે દાવો કર્યો છે કે તેઓ અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અગાઉ દારૂના ધંધામાં ભાગીદાર હતા
Junagadh,તા.૧૨
જૂનાગઢ જેલમાં કેદ બુટલેગર ભગા ઉકા જાદવ દ્વારા બે માસ પહેલાં લખાયેલો આ પત્ર હવે ચર્ચાનો વિષય બન્યો છે. પત્રમાં ભગા જાદવે દાવો કર્યો છે કે તેઓ અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અગાઉ દારૂના ધંધામાં ભાગીદાર હતા. ઉના તાલુકાના સૈયદ રાજપરા અને સિમર બંદરો પર બંનેએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો. ધારાસભ્યના માણસો ઉનાના ઉમેજ ગામે રહેતી તેમની પત્નીને અવારનવાર હેરાન કરે છે.
ધારાસભ્ય દ્વારા દારૂના ધંધાના હિસાબની રકમની માંગણી કરવામાં આવે છે. ભગા જાદવે વિનંતી કરી છે કે તેમના પરિવારને હેરાન ન કરવામાં આવે અને જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ધારાસભ્યના બાકી હિસાબ ચૂકવી દેશે. આ પત્ર બહાર આવ્યો તેના ત્રણ માસ પહેલાં ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામેથી એસએમસીએ ભગા જાદવ પાસેથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો હતો.
વાયરલ પત્ર બાદ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વાયરલ પત્રનો આરોપી ભગા જાદવ ગુજસીટોકનો પણ આરોપી છે અને તે જૂનાગઢ જેલમાં હતો. તેમણે દાવો કર્યો કે તપાસ માટે ઉના લાવવામાં આવ્યો ત્યારે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં કોન્સ્ટેબલના ફોન પરથી ભગા જાદવે તેમને ફોન કર્યો હતો અને જેલર વાળા કઈ સિસ્ટમથી જેલ ચલાવે છે તે જણાવ્યું હતું. ધારાસભ્યએ આ માહિતી ગૃહમંત્રી અને સુપ્રિટેન્ડેન્ટને આપી હતી, જેના આધારે જેલર વાળાની બદલી થઈ હતી.
તેમનો આક્ષેપ છે કે જેલર અને ભગા જાદવ વચ્ચે થયેલા અનગઠિત બનાવ બાદ કદાચ તેમને તકલીફ પડી હોવાથી કોઈના ઈશારે આ પત્ર વાયરલ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમની પાસે ભગા જાદવ સાથેની વાતચીતની ૧૧ મિનિટની ઓડિયો ક્લિપ તેમજ સુપ્રિટેન્ડેન્ટ અને જેલર વાળા સાથેની વાતચીતનું રેકોર્ડિંગ પણ છે, જે ગૃહ વિભાગને સોંપવામાં આવ્યું છે.
બીજી તરફ, ઉનાના માજી ધારાસભ્ય પુંજા વંશે પણ પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર વળતા ગંભીર આક્ષેપો કર્યા હતા અને તટસ્થ તપાસની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અગાઉ ૧૯૯૩માં પાસામાં જઈ આવેલા છે અને આ દારૂના ધંધામાં બંને (ભગા જાદવ અને ધારાસભ્ય) પાર્ટનર હતા.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ઉનાના ધારાસભ્ય ખનીજ ચોરી, રેશનિંગનો જથ્થો, રેતી ચોરી સહિતના ગેરકાયદેસર ધંધાઓમાં પણ ભાગીદાર છે. પુંજા વંશે પત્રના વિષયને ગંભીર અને સંવેદનશીલ ગણાવ્યો અને કહ્યું કે જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી શાંતિ અને સલામતીની હોય છે. તેમણે માંગ કરી કે પત્રની વિશ્વસનીયતાની ચકાસણી થવી જોઈએ અને સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી તપાસ કરવામાં આવે, જેથી ’દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ જાય.
આ સમગ્ર મામલે વહીવટી તંત્રની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવતા પુંજા વંશે ભૂતકાળમાં કેટલાક અધિકારીઓ પર ગીર સોમનાથ જિલ્લાને ’લૂંટવાનો’ આરોપ લગાવ્યો હતો, જેના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ વિવાદના કારણે ઉનાનું રાજકારણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે, અને હવે જોવાનું રહે છે કે રાજ્ય સરકાર આ સમગ્ર મામલે તટસ્થ તપાસ માટે એસઆઇટીની રચના કરે છે કે કેમ.

