Amreliતા.૧૨
વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં કુહાડીથી ઘા કરીને વૃદ્ધના પગ કાપી નાખ્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં અતિ ગંભીર વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. મૃતક દિનેશ સોલંકી પર તેના સાળા સહિત અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં કુહાડી વડે તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા. હુમલા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ ગોંડલથી અરજણસુખ ગામમાં સગાને ત્યાં આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલ વડિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને કવાયત હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગોંડલમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ દિનેશભાઇ સોલંકીનો તેમના પત્ની સાથે ઝઘડો થયો હતો. જે બાદ તે ઘરેથી જતા રહ્યા હતા. જે બાદ વૃદ્ધ પોતાના ભાણેજને ત્યાં ગયા હતા. જે બાદ તેમને તેમના સાળાનો ફોન આવ્યો હતો. જેમાં તેમને મળવા માટે બોલાવ્યા હતા. જેથી તેઓ વડીયા ગામ પાસે ગયા હતા. તેમના સાળા કાનો ઉર્ફે કાનજી મેરામ, હકુ મેરામ, જુદુરામ મેરામ અને બાઘો મેરામ સહિતના શખ્સોએ કુહાડી અને પાઇપના ઘા ઝીકી બંને પગ કાપી નાખ્યા હતા. જ્યારે દિનેશભાઇને તેમના સાળાઓ મારતા હતા ત્યારે આરોપીઓએ મૃતકના ભાણેજને કોલ કરી કહ્યું કે, તમે મારી બહેન રતનને અહીં લઇ આવો. આપણે સમાધાન કરી લેવું છે.
મૃતકને ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધને જોતા તેમના ભાણેજ ભરતે કપાયેલા પગ કોથળામાં નાંખી દિનેશભાઇને સૌ પ્રથમ અમરેલીની હોસ્પિટલમાં અને બાદમાં અહીં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઇએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. મહત્ત્વનું છે કે, વૃદ્ધ દિનેશભાઇ સોલંકીને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરી છે. તેઓ છ ભાઇ, તેઓ ત્રીજા નંબરના હતા. તેઓ ચોકીદારી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સુરતના ઉધનામાં પણ બનેવીએ સાળાની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. થોડા સમય પહેલા ઉધના પટેલનગર વિસ્તારમાં આવેલી સાઈ જલારામ સોસાયટીમાં સંદીપ ગોડ નામના વ્યક્તિએ પોતાના સાળા અને સાળી પર ચપ્પુ વડે તાબડતોબ હુમલો કરી બંનેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. ત્યારે સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. મૃતકની ઓળખ ૩૦ વર્ષીય નિશ્ચય અશોકભાઈ કશ્યપ અને તેની બહેન મમતા કશ્યપ તરીકે થઈ છે. જેઓ પોતાની માતા સાથે સુરત શોપિંગ કરવા માટે આવ્યો હતો. જે દરમિયાન આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળ્યો કે, ઉધના પટેલનગર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. ત્યારે પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર, ડી.સી.પી. અને પી.આઈ. સહિતનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટનાના સમયે આરોપી બનેવી સંદીપ ગોડે ઘરમાં જ પોતાના સાળા નિશ્ચય અને સાળી મમતા (પત્નીના ભાઈ-બહેન) સહિત સાસુ પર પણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેણે પેટ, ગળા અને પીઠના ભાગે ચપ્પુના અનેક ઘા ઝીંક્યા હતા, જે બાદ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં આ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે નિશ્ચય અને મમતાને મૃત જાહેર કર્યા હતા.

