ઇન્ડિગોને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ એમ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો
New Delhi, તા.૧૨
દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે, ત્યારે ઇન્ડિગો એરલાઇન્સને બુધવારે બપોરે ૩ઃ૩૦ વાગ્યે પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. ઇન્ડિગોને મોકલવામાં આવેલા ઇમેઇલમાં પાંચ એરપોર્ટઃ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીથી ભારે હોબાળો મચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, ઇમેઇલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે સ્પષ્ટ નથી.
મુંબઇથી વારાણસી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતાં ભારે હોબાળો મચી ગયો હતો, જેના કારણે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેને તાત્કાલિક આઇસોલેશન બેમાં વાળવામાં આવ્યું હતું. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “વારાણસી જતી અમારી એક ફ્લાઇટને ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, સરકાર દ્વારા નિયુક્ત બોમ્બ ધમકી મૂલ્યાંકન સમિતિને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તમામ જરૂરી સુરક્ષા પગલાં તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા હતા. ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી અને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. તમામ ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ થયા પછી વિમાનને ફરી કાર્યરતકરવામાં આવશે.”
દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ દેશભરના એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા પણ કડક કરવામાં આવી છે. એરપોર્ટની અંદર અને બહાર ઝ્રૈંજીહ્લ અને એરપોર્ટ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

