Mumbai તા.14
ડ્રગ્સ કાંડમાં દુબઈથી ડીપોર્ટ કરાયેલા અને ભારતીય સુરક્ષા એજન્સીના કબ્જામાં આવેલા તથા ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે સંકળાયેલા સલીમ સોહેલ શેખ ઉર્ફે લેવીસે ફિલ્મી કલાકારો તથા રાજકીય નેતાઓને ડ્રગ્સ સપ્લાય કર્યાની સનસનીખેજ કબુલાત આપી છે. ઉપરાંત આ સેલીબ્રીટીઓ માટે ભારતમાં તેમજ વિદેશમાં પણ ડ્રગ્સ-રેવ પાર્ટી આયોજીત કરી હોવાનું સ્વીકાર્યું છે.
મહારાષ્ટ્રનાં સાંગલીમાં 252 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું અને તેમાં સલીમ શેખનું નામ ખુલ્યુ હતું. ભારત સરકારની કાર્યવાહીનાં આધારે તેને ગત 22 ઓકટેબરે દુબઈથી ડીપોર્ટ કરાયો હતો.નાર્કોટીકસ વિભાગે પાંચ દિવસ કસ્ટડીમાં લીધા બાદ અન્ય એક ડ્રગ્સ કેસમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસે સલીમ શેખની રીમાંડ અરજીમાં એવો ધડાકો કર્યો હતો કે ફિલ્મી કલાકારો તથા રાજકીય નેતાઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને ભારત અને વિદેશમાં ડ્રગ્સ-રેવ પાર્ટી પણ ગોઠવી દેતો હતો.
મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાંચે ગત ફેબ્રુઆરીમાં સાંગલીમાંથી મેરેથોન ડ્રગ્સ ઉત્પાદનનું રેકેટ ઝડપ્યુ હતું. 212 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.તેમાં સલીમ શેખનું નામ ખુલ્યુ હતું. તે ડ્રગ્સ પેડલરો તથા ઉત્પાદન કરતાં માફીયાઓ વચ્ચે કડીરૂપ હતો. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા તથા રાજસ્થાનનાં ઉત્પાદન યુનિટોને ડ્રગ્સ બનાવવાનાં કાચા માલની વ્યવસ્થા કરી દેતો હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી પરિવાર સાથે દુબઈમાં વસવાટ કરવા લાગ્યો હતો.
સાંગલી કેસની તપાસમાં મુંબઈનાં મીરારોડ ઉપરાંત સુરતમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પરવીન બાનો નામની મહિલાની ધરપકડ થઈ હતી. તેની પુછપરછમાં દુબઈ સ્થિત સલીમ ડોલા તથા સલીમ શેખનાં નામ ખુલ્યા હતા. ભારતમાં તેના સહયોગી સાજીદ મોહમ્મદ આસીફ શેખનું નામ પણ ખુલ્યુ હતું.
પોલીસ તપાસમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ સપ્લાયર્સ તથા સ્થાનિક ડીસ્ટ્રીબ્યુટરે વચ્ચેની કડી ઉપરાંત ડ્રગ્સ પેડલરોનાં બોગસ પાસપોર્ટ તથા હવાલા મારફત નાણા વ્યવહારો કબુલ્યા હતા.
તપાસનીશ એજન્સીનાં સુત્રોએ કહ્યું કે સલીમ ડોલા દુબઈ બેઠા ડ્રગ્સ સિન્ડીકેટ ચલાવે છે અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે સંકળાયેલો છે. ભારતના સાતથી આઠ રાજયોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.ડોલાના પુત્ર તાહેરને ગત ઓગસ્ટમાં યુએઈમાંથી તડીપાર કરાયો હતો અને તેનાં દ્વારા પણ અનેક ખુલાસા કર્યા હતા.
તેના કહેવા પ્રમાણે બોલીવુડ કલાકારો, મોડેલો, રેપર્સ, ફિલ્મ નિર્માતાઓ, રાજકીય નેતાઓ, ઉપરાંત દાઉદ ઈબ્રાહીમનાં સબંધીઓ પોતે જ યોજેલી ડ્રગ્સ-રેવ પાર્ટીમાં સામેલ થયા હતા.
પોલીસે રીમાન્ડ અરજીમાં સુચવેલા નામો મુજબ આલીશા પારકર, શ્રધ્ધાકપુર તેનો ભાઈ, મિશાન સીદિકી ઓરી, અબ્બાસ મસ્તાન લોકા સહીત અનેક સેલીબ્રિટી સામેલ હતા.
પોલીસના સુત્રોએ કહ્યું કે ડ્રગ્સ માફીયાઓ જે સેલીબ્રીટીના નામ આપ્યા છે તે તમામ કલાકારો, રેપર્સ, ફિલ્મ નિર્માતા તથા રાજકીય નેતાઓને સમન્સ પાઠવીને નિવેદન માટે તેડાવવામાં આવશે.

