દેશના ફોરેક્સ રિઝર્વમાં એક સપ્તાહ દરમિયાન નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 21 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું કુલ ફોરેક્સ રિઝર્વ 4.472 અબજ ડોલર ઘટીને 688.104 અબજ ડોલર થયું હોવાનું રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કર્યું. અગાઉના સપ્તાહે રિઝર્વમાં 5.543 અબજ ડોલરનો મજબૂત વધારો નોંધાયો હતો, પરંતુ તાજેતરના ડેટા અનુસાર વિદેશી મુદ્રા અને સોનાના રિઝર્વ બંનેમાં નરમાઈ જોવા મળી છે. ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં 1.69 અબજ ડોલરનો ઘટાડો નોંધાઈ કુલ FCA 560.6 અબજ ડોલર પર આવી પહોંચ્યું.
ગોલ્ડ રિઝર્વમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે 2.675 અબજ ડોલર ઘટીને 104.182 અબજ ડોલર પર આવી ગયું. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) સમક્ષ ભારતનું રિઝર્વ 2.3 કરોડ ડોલર ઘટીને 4.757 અબજ ડોલર થયું છે. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR)માં પણ ઘટાડો નોંધાયો છે, જે 8.4 કરોડ ડોલર ઘટીને 18.566 અબજ ડોલર થયું હતું. દેશના ફોરેક્સ બફરમાં આ વ્યાપક ઘટાડો વૈશ્વિક ફોરેક્સ મૂવમેન્ટ, સોનાના ભાવના ઉતાર-ચઢાવ અને ડોલરની મજબૂતીના પરિણામે જોવા મળ્યો હોવાનું વિશ્લેષકોનું માનવું છે.

