આક્રમક હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ ઓક્ટોબરના અંતે વધીને અંદાજીત રૂ.૨.૫ લાખ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના રૂ.૨.૨૧ લાખ કરોડની સરખામણીએ ૧૩% વૃદ્ધિ દર્શાવે છે. મિશ્ર પોર્ટફોલિયો ધરાવતા આ ફંડ્સે છેલ્લા બે વર્ષમાં મજબૂત વળતર આપ્યા હોવાથી રોકાણકારોમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. AMFIના તાજેતરના ડેટા મુજબ, એગ્રેસીવ હાઈબ્રિડ કેટેગરીમાં રોકાણકારોના ફોલિયોની સંખ્યા પણ ૪ લાખથી વધુ વધીને ૬૦.૪૪ લાખ થઈ ગઈ છે, જે ગત વર્ષે ઓક્ટોબરમાં ૫૬.૪૧ લાખ હતી. આ વૃદ્ધિ એ દર્શાવે છે કે રોકાણકારો ગ્રોથ સાથે સ્થિરતા મેળવવા માટે મિશ્ર પોર્ટફોલિયો અપનાવવાનો અભિગમ અપનાવી રહ્યા છે.
પરફોર્મન્સની દૃષ્ટિએ, એગ્રેસીવ હાઈબ્રિડ ફંડ્સે બેન્ચમાર્કની સરખામણીએ વધુ મજબૂત વળતર આપ્યા છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇક્વિટી-ડેટ ફંડએ બે વર્ષમાં ૧૯.૬% CAGR અને પાંચ વર્ષમાં ૨૪.૭% CAGR વળતર આપ્યું છે. મહિન્દ્રા મેન્યુલાઈફ એગ્રેસિવ હાઈબ્રિડ ફંડે બે વર્ષ માટે ૧૯.૩% CAGR તથા પાંચ વર્ષ માટે ૨૦.૪% CAGR નો પરફોર્મન્સ નોંધાવ્યો છે. બંધન એડલવાઈસ અને ઈન્વેસ્કો ઈન્ડિયા સહિતના અનેક હાઈબ્રિડ ફંડ્સે પણ બે વર્ષમાં ૧૮-૧૯% CAGR અને પાંચ વર્ષમાં ૧૬.૫-૧૯.૯% CAGR જેટલા મજબૂત વળતર આપ્યા છે.
આ જ ગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી હાઈબ્રિડ કમ્પોઝિટ ડેટ ૬૫:૩૫ ઈન્ડેક્સે માત્ર ૧૩.૧% વૃદ્ધિ નોંધાવી હતી. ઈન્ડસ્ટ્રી ડેટા દર્શાવે છે કે એગ્રેસીવ હાઈબ્રિડ કેટેગરીએ એક વર્ષમાં સરેરાશ ૭%, બે વર્ષમાં ૧૬.૫% અને પાંચ વર્ષમાં ૧૭%થી વધુ CAGR વળતર આપ્યું છે. સતત સારા વળતર, જોખમનું સંતુલિત મેનેજમેન્ટ અને સ્થિરતા–ગ્રોથના મિશ્રણને કારણે એગ્રેસીવ હાઈબ્રિડ ફંડ રોકાણકારો માટે વધુ આકર્ષક બનતાં જઈ રહ્યા છે.

