ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થતા ડિજિટલ વ્યવહારોમાં નવેમ્બરમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. ૨૮ નવેમ્બર સુધીના આંકડા અનુસાર, યુપીઆઈ દ્વારા ૧૯ અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે, જેઓનો કુલ મૂલ્ય રૂ.૨૪.૫૮ લાખ કરોડ છે. ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા જાહેર કરાયેલા આ ડેટા પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં મહત્વપૂર્ણ વધારો દર્શાવે છે. નવેમ્બર ૨૦૨૪માં યુપીઆઈ પર રૂ.૨૧.૫૫ લાખ કરોડના ૧૫.૪૮ અબજ વ્યવહારો થયા હતા. ડેટા મુજબ, ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં નવેમ્બર ૨૦૨૪ની તુલનામાં લગભગ ૨૩% વૃદ્ધિ થઈ છે, જ્યારે કુલ મૂલ્યમાં લગભગ ૧૪% વધારો નોંધાયો છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં લગભગ ૭૦% અને તેમના મૂલ્યમાં ૪૧%ની વૃદ્ધિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન અત્યાર સુધી યુપીઆઈ પર ૧૨.૪૧ અબજ વ્યવહારો થયા છે. દૈનિક સરેરાશ લગભગ ૬૮.૯૬ કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જ્યારે દૈનિક મૂલ્ય રૂ. ૯૧,૩૨૪ કરોડ રહ્યું છે. તેની તુલનામાં, નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના સમાન સમયગાળામાં દૈનિક સરેરાશ ૫૧.૬૦ કરોડ ટ્રાન્ઝેક્શન અને દૈનિક મૂલ્ય રૂ. ૭૧,૮૩૯ કરોડ નોંધાયું હતું.

