Ahmedabad,તા.02
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ સ્થિત ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે અને 20 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની અવધિ 3 ડિસેમ્બર સુધીની છે, અને ભરાયેલા પત્રોને સ્વીકારવાની અંતિમ તારીખ 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની આ ચૂંટણીમાં કુલ 12 પદો પર મતદાન થશે, જેમાં એસોસિએશનના 6 હોદ્દેદારો અને 6 કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે 6 હોદ્દેદારોમાંથી પ્રમુખ અને ખજાનચીના એમ 2 પદ અનામત રાખવામાં આવ્યા છે. જેના માટે ઉમેદવારોએ રૂપિયા 17,500ની ડિપોઝિટ ભરવી પડશે. તેવી જ રીતે 6 કારોબારી સભ્યોના પદમાંથી પણ 2 પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.
પ્રમુખ પદ માટેની મુખ્ય લાયકાતમાં ઉમેદવારને ઓછામાં ઓછો 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો ફરજિયાત છે, સાથે જ તે અગાઉની ચૂંટણીઓમાં હોદ્દેદાર અથવા કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોવા જોઈએ. જોકે, ખજાનચી પદ માટે ઉપરોક્ત શરતોમાં વકીલાતનો અનુભવ 07 વર્ષનો માંગવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા વચ્ચે, ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉપ પ્રમુખ રહી ચૂકેલા ઇન્તેખાબહુસેન ખોખરે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતમાં આ અંગે એક અરજી દાખલ કરી છે.
પૂર્વ પ્રમુખ ઇન્તેખાબહુસેન ખોખરે કરેલી અરજીના પગલે, ચૂંટણી કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, ખોખરની મહિલા અનામતને પડકારતી અરજી પર બાર કાઉન્સિલ ઑફ ગુજરાત દ્વારા જ્યાં સુધી અંતિમ ચુકાદો આપવામાં ન આવે, ત્યાં સુધી ચૂંટણી માટે ઉમેદવારી પત્રનું વિતરણ કરવામાં આવશે નહીં. ખોખરે પોતાની અરજીમાં એવી દલીલ કરી છે કે બાર એસોસિએશનના નિયમો અનુસાર, લાયકાત ધરાવતા કોઈપણ વ્યક્તિ લિંગ ભેદ વિના કોઈપણ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.અરજીમાં એવી દલીલ કરી હતી કે, અગાઉની બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા. વધુમાં, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માત્ર ખજાનચીનું પદ અને કમિટીમાં 30 ટકા મહિલા અનામત રાખવામાં આવ્યું છે, જ્યારે પ્રમુખ પદના અનામત અંગે કોઈ નિર્દેશ નથી. આથી ચૂંટણી કમિશનર આ પ્રકારનું જાહેરનામું બહાર પાડી શકે નહીં. તેમણે બાર કાઉન્સિલ ઑફ ગુજરાત પાસે આ અંગે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે અને એ પણ સવાલ કર્યો છે કે મહિલા અનામતની જોગવાઈ ફક્ત એક ટર્મ પૂરતી છે કે કાયમી છે?

