Ahmedabad,તા.02
અમદાવાદના વાસણા વિસ્તારમાં ગુજ્જુભાઈ પાન પેલેસના સંચાલકે માનસિક ત્રાસ અને બદનામીના ષડયંત્રથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકના મોટા ભાઈએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપસર કુલ છ આરોપીઓ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સ્યૂસાઈડ નોટમાં મૃતકે સ્પષ્ટ જણાવ્યું છે કે 25 ઓગષ્ટ 2025ના રોજ દુકાનમાં કેટલાક શખ્સોએ દારૂ પીધો હોવાની ફરિયાદમાં પાન પાર્લરનું નામ આવ્યા બાદ આરોપીઓએ તેને ડરાવીને અને માનસિક ટોર્ચર કરીને આ અંતિમ પગલું ભરવા મજબૂર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટનાક્રમની શરૂઆત 25 ઓગષ્ટ 2025ના રોજ થઈ હતી, જ્યારે દુકાનના ગ્રાહકોનો કુણાલભાઈના સગા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ 25 ઓક્ટોબર 2025ના રોજ કેટલાક આરોપીઓ વિરુદ્ધ દારૂ પીવા અંગેનો ગુનો નોંધાતા તેમાં ‘ગુજ્જુભાઈ પાન પેલેસ’નું નામ પણ ખોટી રીતે જોડી દેવાયું. ત્યારબાદ છ આરોપીઓ નિયમિત દુકાને આવીને અંકિત સાથે બોલાચાલી કરતા હતા. જ્યારે અંકિતે દારૂના કેસમાં દુકાનનું નામ ન સંડોવવા વિનંતી કરી ત્યારે આરોપી નીલ ઠાકરે ઝઘડાનો વિડિયો બતાવીને તેને ડરાવ્યો હતો. અંકિતે પોતાના સ્યૂસાઈડ મેસેજમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ શખ્સો દુકાન બંધ કરાવવા, પોલીસમાં ખોટી રીતે ફસાવવા અને પિતાની બદનામી કરવાના ઇરાદે માનસિક ત્રાસ આપી રહ્યા હતા.
આ અસહ્ય ત્રાસથી કંટાળીને અંકિતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અંતિમ સંસ્કાર થયા બાદ મૃતકના મોટા ભાઈ કુણાલભાઈએ છ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અંકિતે પોતાની સ્યૂસાઈડ નોટમાં રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને આ કેસમાં ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને કોઈ ધારાસભ્યના દબાણ હેઠળ કેસને દબાવી ન દેવાની ભાવનાત્મક વિનંતી કરી હતી. હાલમાં પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો કેસ દાખલ કરીને સ્યૂસાઈડ મેસેજના સ્ક્રીનશૉટ્સ સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

