New Delhi,તા.02
પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) હવે ‘સેવા તીર્થ’ તરીકે ઓળખાશે. PMOની જનસેવા અને કાર્યશૈલીમાં સમર્પણને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્ત્વનો ફેરફાર કર્યો છે. આ પરિવર્તન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાગરિકો તેમની સમસ્યાઓ અને સૂચનો વધુ સરળતાથી રજૂ કરી શકે અને PMO જનતા માટે વધુ સુલભ બને.
PMO ટૂંક સમયમાં સાઉથ બ્લોક ખાતેની તેની જૂની ઓફિસમાંથી નીકળીને નવા ‘સેવા તીર્થ’ કોમ્પ્લેક્સમાં શિફ્ટ થશે. દાયકાઓ પછી આ એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. નવું PMO ‘સેવા તીર્થ-1’ માંથી કામગીરી શરૂ કરશે, જે એક્ઝિક્યુટિવ એન્ક્લેવ-1માં બનેલી ત્રણ નવી બિલ્ડીંગમાંથી એક છે.
આ જ કોમ્પ્લેક્સમાં આવેલી ‘સેવા તીર્થ-2’ અને ‘સેવા તીર્થ-3’ ઇમારતોમાં કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor – NSA)ની ઓફિસ હશે. આ શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 14 ઑક્ટોબરના રોજ કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથે ‘સેવા તીર્થ-2’માં એક મહત્ત્વની બેઠક પણ કરી હતી.

