Mumbai,તા.02
હોલીવૂડની ફિલ્મ ‘અવતાર’ના ફિલ્મમેકર જેમ્સ કેમરોનએ હોલીવૂડની ફિલ્મોમાં જે જનરેટિવ AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એક રિપોર્ટ અનુસાર જેમ્સ કેમરોનએ કહ્યું છે કે હોલીવૂડના એક્ટરની જગ્યાએ હવે AIનો ઉપયોગ કરી પર્ફોર્મન્સ બનાવવામાં આવશે એ ખૂબ જ ડરામણું છે. જેમ્સ કેમરોન હંમેશાં એક્ટરને પર્ફોર્મ કરાવી તેમની એક્ટિંગને વધુ સારી બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, પરંતુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માણસને જ ગાયબ કરી દેવામાં તેઓ બિલકુલ નથી માનતા.અવતાર’નો પહેલો પાર્ટ 2009ની 18 ડિસેમ્બરે આવ્યો હતો. ત્યાર બાદ બીજો પાર્ટ ‘અવતાર : ધ વે ઓફ વોટર’ 2022ની 16 ડિસેમ્બરે આવ્યો હતો. આ ફિલ્મોનો ત્રીજો પાર્ટ ‘અવતાર : ફાયર એન્ડ એશ’ હવે આ મહિનામાં એટલે કે 19 ડિસેમ્બરે આવી રહ્યો છે. આ ત્રીજા પાર્ટ બાદ વધુ બે પાર્ટ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આ ફિલ્મની સ્ટોરીનો અંત થશે.થોડા સમય પહેલાં ઝ્યુરિચ સમિટમાં AI જનરેટેડ પર્ફોર્મર ટિલી નોર્વૂડને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ક્રિએશનને કોમેડિયન અને પ્રોડ્યુસર એલીન વેન ડેર વેલ્ડેન દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ એક્ટર વિશે દુનિયાભરના એક્ટર અને ફિલ્મમેકર્સ અને વિવિધ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન દ્વારા એની ટીકા કરવામાં આવી હતી. એને કારણે એક્ટરની નોકરી પર સંકટ છે એ વિશે પણ જણાવવામાં આવ્યું હતું. આ વિશે એલિને કહ્યું હતું કે ‘મને લાગે છે કે AIનો ઉપયોગ કરવો એક ધીમી પ્રોસેસ છે. મને ખાતરી છે કે આગામી વર્ષોમાં ઘણી બધી ઇફેક્ટ્સ AIની મદદથી બનાવવામાં આવશે. ત્યાર બાદ કેટલાક શોટ્સ પણ AI દ્વારા જનરેટ કરવામાં આવશે. ત્યાર બાદ એક ફુલ AI ફિલ્મ બનાવવામાં આવશે. મને નથી ખબર કે લોકો AI ફિલ્મ માટે પૈસા ખર્ચ કરશે કે નહીં, પરંતુ તેમને આ ફિલ્મમાં કોઈ તફાવત જોવા નહીં મળે. મને લાગે છે કે એક સારી સ્ટોરીટેલિંગને જોવા માટે લોકો પૈસા ખર્ચ કરે છે.’
જેમ્સ કેમરોનની પહેલી ‘અવતાર’ ફિલ્મના મેકિંગ દરમિયાન 2005માં લોકોએ તેમના કામને લઈને ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી. એ સમયે AIનું નામ-નિશાન નહોતું. એમ છતાં તેઓ જે રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમના પાત્રોને સ્ક્રીન પર રજૂ કરવા માગતા હતા એને જોઈને હોલીવૂડમાં ટેન્શનનો માહોલ હતો. તેમને લાગી રહ્યું હતું કે તેઓ હવે મનુષ્યની જગ્યાએ કમ્પ્યુટર કેરેક્ટરનો ઉપયોગ કરી રહ્યાં છે. જોકે જેમ્સ કેમરોન દ્વારા એ જ સમયે આ વાતને ફગાવી દેવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે તેમની સ્ટોરીટેલિંગના સેન્ટરમાં હંમેશાં એક્ટર રહેશે. આ વિશે જેમ્સ કેમરોનએ કહ્યું કે ‘વર્ષો સુધી લોકોમાં એવું હતું કે અમે કમ્પ્યુટર સાથે કંઈ વિચિત્ર કરી રહ્યાં છીએ અને અમે એક્ટરની જગ્યાએ ગ્રાફિક્સનો ઉપયોગ કરીશું. જોકે કોઈએ ઊંડાણમાં આવીને જાણ્યું હોત તો તેમને ખબર પડી હોત કે અમે શું કરી રહ્યાં છીએ. અમે ફિલ્મ દ્વારા એક્ટર-ડિરેક્ટરને સેલિબ્રેટ કર્યા હતા.’
