ધોરાજી રોડ પર બ્રિજ નીચેનું ફાટક બંધ થતા રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તો રોક્યો: વાહનોની લાંબી કતારો લાગી
સમજાવટ નિષ્ફળ જતા અંતે પોલીસે મહિલાઓને પોલીસ વાનમાં બેસાડી સ્ટેશને લઈ જઈ મામલો થાળે પાડ્યો
Jetpur,તા.02
જેતપુરના ધોરાજી રોડ પર આવેલા નવા ઓવરબ્રિજ પર આજે સવારે સ્થાનિક મહિલાઓએ કરેલા ચક્કાજામમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. બ્રિજ નીચેનો રસ્તો અને ફાટક બંધ કરી દેવાતા રોષે ભરાયેલી ચામુંડાનગરની મહિલાઓએ બ્રિજ પર હલ્લાબોલ કરી વાહન વ્યવહાર થંભાવી દીધો હતો. જોકે, ટ્રાફિકની સમસ્યા વકરતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આંદોલનકારી મહિલાઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી.
બનાવની વિગત મુજબ, ધોરાજી રોડ પર ઓવરબ્રિજ કાર્યરત થયા બાદ તંત્ર દ્વારા નીચેનું રેલવે ફાટક અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક રહીશોને સામેની બાજુ જવા માટે કિલોમીટરો સુધી ફરીને જવું પડે છે. આ સમસ્યાનો ઉકેલ ન આવતા આજે મહિલાઓ રણચંડી બની રસ્તા પર ઉતરી આવી હતી અને બ્રિજ બ્લોક કરી દીધો હતો.
ચક્કાજામને પગલે બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી જતા જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે શરૂઆતમાં મહિલાઓને સમજાવીને રસ્તો ખુલ્લો કરવા વિનંતી કરી હતી, પરંતુ મહિલાઓ પોતાની માંગ પર અડગ રહી હતી અને રસ્તા પરથી હટવાની ના પાડી દીધી હતી.
અંતે પરિસ્થિતિને કાબુમાં લેવા અને ટ્રાફિક પૂર્વવત કરવા માટે પોલીસે કડક વલણ દાખવ્યું હતું. મહિલા પોલીસની મદદથી ચક્કાજામ કરી રહેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ બ્રિજ પરનો ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો.

