Junagadh તા. ૨
જૂનાગઢ એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ વનસ્પતી જન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા તેમજ રીક્ષા મળી કુલ રૂ. ૧,૫૭,૫૪૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ, જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. આર.કે. પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા.
દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કુવાડીયા તથા પો.હેડ કોન્સ. અનિરૂધ્ધભાઈ વાંકને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, ચિરાગ ભગવાનજીભાઈ ભારાઈ (રહે.જૂનાગઢ ખાંમધ્રોળ રોડ) વાળો પોતાના કબ્જા ભોગવટાની રીક્ષા નં. જીજે ૨૩ એયુ ૨૯૭૧ માં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઈ જુના ડુંગરપુર ગામ તરફ જવાના રસ્તે થઈને નિકળનાર છે. જે બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. આર.કે. પરમાર તથા ટીમ દ્વારા જુના ડુંગરપુર ગામે પાસે વોચમાં હતા, ત્યારે બાતમી હકીકતવાળી રીક્ષા નિકળતા તેને ઉભી રખાવી, કોર્ડન કરી, ચેક કરતા, રીક્ષા ચાલક ચિરાગ ભગવાનજીભાઈ ભારાઈ હોય અને રિક્ષાની અંદર ચેક કરતા રીક્ષામાંથી વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજો મળી આવતા આરોપીને પકડી પાડી, તેમના કબજામાંથી મળી આવેલ રૂા. ૧,૦૧,૨૫૦ ની કિંમતનો ૨.૦૨૫ કિ.ગ્રા. ગાંજો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા અતુલ જેમીની સીએનજી રિક્ષા મળી કુલ કિ. રૂા. ૧,૫૭,૫૪૦ ની મુદામાલ કબજે કરી, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજીસ્ટાર કરાવેલ છે, તથા આરોપીની આગળની તપાસ અને પૂછપરછ ચાલુ છે.

