Ahmedabad,તા.૨
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કરેલી પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં ગુજરાતની દારૂ નીતિ, ડ્રગ્સના વધતા વેપાર, ગુનાખોરી અને ખેડૂતોના પ્રશ્નોને આકરા પ્રહાર સાથે ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોંગ્રેસની ’જન આક્રોશ યાત્રા’ દરમિયાન ગુજરાતની મહિલાઓ દારૂ અને રાજ્યમાં વ્યાપક બની રહેલી ગુનાખોરી અંગે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. ગાંધી અને સરદારની ભૂમિ ગણાતા ગુજરાતના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની અંધારી દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. મહિલાઓ રસ્તાઓ પર આવીને વિરોધ કરી રહી છે, કારણ કે અપરાધીઓને કથિત રીતે સત્તાનું સંરક્ષણ મળી રહ્યું છે.”
રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, “ભાજપના એ કયા મંત્રી છે, જેમના સંરક્ષણમાં આ બધું ચાલી રહ્યું છે?” અને સાથે જ પ્રશ્ન કર્યો છે કે, “ગુજરાત પૂછી રહ્યું છે કે રાજ્યના ગદ્દારોને કેમ બચાવવામાં આવે છે?”
ડ્રગ્સ અને ગુનાખોરીના મુદ્દાની સાથે રાહુલ ગાંધીએ ખેડૂતોની બરબાદીનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની ખેતી અતિવૃષ્ટિ અને પૂર જેવી કુદરતી આફતોથી બરબાદ થઈ છે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરતા હતા. જોકે, આજે જ્યારે ગુજરાત ડૂબ્યું છે, ત્યારે ડબલ એન્જિનની સરકારના વડાપ્રધાન ન તો કોઈ રાહત આપી રહ્યા છે કે ન તો કોઈ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતનો દરેક પરિવાર પૂછી રહ્યો છે કે ખેડૂતોની દેવા માફી ક્યારે થશે? ગુજરાતમાં ડ્રગ્સનો ગેરકાયદેસર કારોબાર ક્યારે થમશે? રાહુલ ગાંધીની આ આક્રમક પોસ્ટ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ડ્રગ્સ અને દારૂની સરળ ઉપલબ્ધતા તેમજ ખેડૂતોના દેવા માફીના મુદ્દાને ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર લઈ આવી છે.

