Rajkot.તા.૨
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રદુષણનું પ્રમાણ શહેરના અમુક વિસ્તારોમાં વધ્યું છે. જેને કારણે શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થતો હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. જોકે શિયાળામાં સવારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાનું સ્વાભાવિક છે. જેને લઈ વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું હિતાવહ હોવાનું મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું. તેમજ લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
મનપાએ સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ જાહેર કર્યા હતા. જેમાં શરદી-ઉધરસનાં ૧૩૧૪ કેસ અને તાવના ૮૬૫ કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઉલટીનાં ૧૯૮ કમળાનાં ૨ અને ડેંગ્યુનાં ૩ સહિત વિવિધ રોગના મળી કુલ ૨,૩૮૨ કેસ નોંધાયા છે. આમ શરદી-ઉધરસ અને સામાન્ય તાવના દર્દીઓ વધ્યા હોવાનું સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ દર્શાવે છે.
શિયાળાની શરૂઆતથી એટલેકે છેલ્લા ત્રણેક સપ્તાહથી શિયાળાની શરૂઆતથી આ કેસો સતત વધી રહ્યા છે. અગાઉ ગત સપ્તાહે તાવના ૮૫૬ અને શરદી ઉધરસનાં ૧૦૪૮ કેસો હતા. એ પહેલાં ૧૦ નવેમ્બરે શરદી ઉધરસના ૮૦૭ અને સામાન્ય તાવના ૭૧૭ કેસો સામે આવ્યા હતા. આમ છેલ્લા ત્રણેક સપ્તાહમાં શરદી-ઉધરસનાં કેસો ડબલ જેટલા થયા છે. પ્રદુષણનો આંક વધે તેની સાથે શરદી-ઉધરસનાં કેસોમાં પણ વધારો થાય છે. જેને લઈને લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
રાજકોટ મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળામાં પ્રદુષણનો આંકડો ઉપર જતો હોય છે. તેમાં પણ ખાસ કરી વહેલી સવારથી લઈને સૂર્યોદય સુધી પ્રમાણ વધારે રહે છે. જો કે હાલ કોર્પોરેશન ચોક, રામાપીર ચોકડી, જામટાવર ચોક, નાનામૌવા ચોક અને સોરઠીયા વાડી સર્કલ સહિત પાંચેક વિસ્તારોમાં આંકડો ૩૦૦ને પાર પહોંચ્યો છે. જે ખરેખર નોંધનીય બાબત છે. પરંતુ આ વિસ્તારોમાં ખૂબ ટ્રાફિક રહેતો હોવાને કારણે પ્રદુષણ વધ્યું છે. ત્યારે હવે ટ્રાફિકનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું છે.તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં જ આપણે સામાન્ય રીતે તો જ પ્રદુષણ વધુ જોવા મળે છે. પરંતુ આખું વર્ષ આવી સ્થિતિ ન રહે તેના માટે વૃક્ષો વાવવા એ પણ એટલું જ જરૂરી છે. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ લોકોએ શક્ય તેટલો વધારવો જોઈએ. પ્રદુષણને લઈ ખાસ નાના બાળકો અને વૃદ્ધોમાં વધુ અસર થાય છે. તો આવા લોકોએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઉપરાંત બહાર જવુ પડે તો ખાસ માસ્ક પહેરવું જોઈએ. જેનાથી પ્રદુષિત હવાને કારણે થતા શરદી-ઉધરસ સહિતના રોગોથી બચી શકાય છે.
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી કરાય છે.. ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આવા ૨૦ આસમીઓને છેલ્લા અઠવાડિયામાં નોટિસ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં તા. ૨૪ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી વાહક નિયંત્રણની કામગીરી હેઠળ ૫૬ મેલેરિયા ફિલ્ડવર્કર, ૪૧૫ અર્બન આશા અને ૧૧૫ વોલેન્ટીયર્સ દ્વારા ૧૬,૭૪૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને ૬૮૩ જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી છે.

