Ahmedabad,તા.૨
અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસના આરોપીને રિફર કરવાની પ્રક્રિયા દરમ્યાન બાંકડા પર પોલીસકર્મીઓએ બેસાડ્યો હતો. બાદમાં આરોપીને વોશરૂમ લઈ જતા હતા તે દરમ્યાન ભીડનો લાભ લઈને આરોપી ભાગી ગયો હતો. આ અંગે પોલીસકર્મીએ આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.
ખેડા કેમ્પ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં રહેતા માલાભાઈ ભરવાડ ખેડામાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેમજ છેલ્લા ચાર વર્ષથી હેડ ક્વાર્ટર્સમાં કેદી જાપ્તામાં ફરજ બજાવે છે. તાજેતરમાં કઠલાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં આરોપી પ્રતિક ડાભીને ઝડપીને જેલમાં મોકલ્યો હતો. જેલમાં આરોપીની તબિયત લથડતા તેને સારવાર માટે અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
ગત ૩૦ નવેમ્બરે પોલીસકર્મી માલાભાઈ અને લોકરક્ષક આશિષ ગઢવીને કેદી ફરાર ન થાય તેના માટે જાપ્તા બંદોબસ્તમાં ફરજ પર મૂક્યા હતા. ત્યારે આરોપી પ્રતિકને સાંજના સમયે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ વોર્ડ નં ઈ/૨માં પોલીસકર્મી લઈ ગયા હતા. પરંતુ ત્યાં રીફરની પ્રક્રિયા બાકી હોવાથી આરોપી પ્રતિકને લઈ બંને પોલીસકર્મી ત્યાં બહાર બાકડા પર બેઠા હતા. બાદમાં આરોપી પ્રતિકે વોશરૂમ જવાનું કહેતા બંને પોલીસકર્મી તેને વોશરૂમ તરફ લઈ જતા હતા.
જોકે વોશરૂમ તરફ જતા સમયે દર્દીઓ અને તેમના સંબંધીઓની ભીડનો લાભ લઈને આરોપી પ્રતિક ડાભી ભાગવા લાગ્યો હતો. જેથી બંને પોલીસકર્મીએ તેનો પીછો કર્યો પરંતુ આરોપી ફરાર થવામાં સફળ નીવડ્યો હતો. જાપ્તા બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓએ આસપાસમાં શોધખોળ કરી પરંતુ આરોપી પ્રતિક ડાભી મળી આવ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, અંગે હેડ કોન્સ્ટેબલ માલાભાઈએ આરોપી પ્રતિક સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે આ પ્રકારની ઘટના પ્રથમ વાર નથી બની અગાઉ પણ આવી રીતે આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયેલા છે. હાલ ફરાર આરોપીને પકડવા માટે પોલીસની ટીમ કામે લાગી છે.

