Maharashtra તા. 6
ઠાકરે પરિવારની નવી પેઢી નજીક આવે તેવા સંકેત મળ્યા છે. ઉધ્ધવ ઠાકરે તથા રાજ ઠાકરેના પુત્રો મહારાષ્ટ્રના હિતમાં સાથે બેસવા તૈયાર હોવાનું કહી રહ્યા છે. રાજ ઠાકરે, ઉધ્ધવ ઠાકરેના જન્મ દિન અથવા શિવસેના સ્થાપના દિને પણ જાહેરાત થવાની શકયતા છે.
ઠાકરે પરિવારની નવી પેઢીના આદિત્ય અને અમિત ઠાકરે યુતિ માટે તૈયારી બતાવી રહ્યા છે ત્યારે હવે બધાની આંખો મંડાઈ છે ઉધ્ધવ અને રાજ ઠાકરેના નિર્ણય પર. મહારાષ્ટ્ર અને મરાઠીઓ માટે દાયકાઓ જૂનું વેર ભૂલીને ઉધ્ધવ અને રાજ ઠાકરે એક થશે કે નહીં એના પર બધાની નજર છે.
ગુરુવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેએ MNS અને શિવસેના (ઉધ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ની યુતિની શક્યતાઓ વિશે પૂછતાં જણાવ્યું હતું કે ‘બન્ને ભાઈઓએ માત્ર ફોન ઉપાડીને સમજૂતીની વાત કરવાની છે. મીડિયાના સાઉન્ડ-બાઇટ્સ કે ન્યુઝપેપરના ઇન્ટરવ્યુથી યુતિ ન બની શકે.’
થોડા દિવસ અગાઉ અમિત ઠાકરેના કઝિન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ બન્ને ભાઈઓમાં યુતિ થવાની સંભાવના હોય એવું નિવેદન આપતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના હિતમાં અમે કોઈની પણ સાથે સંધિ કરવા તૈયાર છીએ.
ઉધ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે સમજૂતી માટે બન્ને પક્ષના કાર્યકરોને આશા છે કે ટૂંક સમયમાં આવતા મહત્ત્વના દિવસોમાંથી એક દિવસે MNS અને શિવસેના (UBT) એક થઈ શકે છે. 14 જૂને રાજ ઠાકરેનો જન્મ દિવસ છે.
19 જૂને શિવસેનાનો સ્થાપના દિવસ છે તેમ જ 26 જુલાઈએ ઉધ્ધવ ઠાકરેનો જન્મદિવસ છે. (આ દિવસોમાં બન્ને પક્ષ તરફથી મહત્ત્વની જાહેરાત થાય એની રાહ જોવાઈ રહી છે.