Rajkot, તા. 9
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ સાથે ટેકઓફના ગણતરીના સમયમાં જ પક્ષી અથડાવાની (બર્ડ હીટ) ઘટના સામે આવી છે. પક્ષી એટલી જોરથી ભટકાયું હતું કે વિમાનની પાંખમાં મોટુ નુકશાન સાથે પાંખ ક્ષતિગ્રસ્ત થઈ હતી.
હવામાં જ ખતરાનો અહેસાસ થતાં જ પાઇલટે સૂઝબૂઝ દાખવીને ફ્લાઈટને તાત્કાલિક પરત રાજકોટ એરપોર્ટ પર સેફ લેન્ડ કરાવી હતી. આ ફ્લાઈટમાં સવાર 124 મુસાફરનો આબાદ બચાવ થયો છે. જો કે, થોડીવાર માટે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. એરલાઇન્સ કંપની અને એરપોર્ટ ઓથોરીટીએ આ ફલાઇટને કેન્સલ કરી. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી હતી.
એર ઇન્ડિયાની આ ફ્લાઈટ મુંબઈથી પોતાના નિયત સમય મુજબ ગઇકાલે સવારે 8 વાગ્યે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે આવી પહોંચી હતી. જોકે અહીંથી ફરી 124 પ્રવાસીને લઈને મુંબઈ જવા માટે જેવું વિમાને રનવે પરથી ટેકઓફ કર્યું, ત્યાં જ હવામાં બર્ડ હીટનો સામનો કરવો પડયો હતો.
પાઇલટે કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક સાધી ઈમર્જન્સી લેન્ડિંગનો નિર્ણય લીધો હતો. જે મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટ હતી તેમના સમયપત્રક ખોરવાયા હતા જેના પગલે મુસફારોમાં રોષ ફેલાયો હયફ્લાઈટને તાત્કાલિક કેન્સલ જાહેર કરવામાં આવી હતી.
અચાનક ફ્લાઈટ રદ થતાં મુસાફરો અટવાય નહીં તે માટે એરલાઈન્સ દ્વારા સ્માર્ટ મેનેજમેન્ટ કરાયું હતું. જે મુસાફરોને તાકીદે મુંબઈ પહોંચવું અનિવાર્ય હતું. તેમને તાત્કાલિક ઈન્ડિગોની ફ્લાઈટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
કેટલાક યાત્રિકોને સાંજની ફ્લાઈટની ટિકિટ એલોટ કરવામાં આવી હતી. જે મુસાફરો પોતાની મુસાફરી કેન્સલ કરવા માગતા હતા, તેમને એરપોર્ટ પર જ રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
હાલ ગ્રાઉન્ડેડ કરાયેલ આ ફલાઈટનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. ટ્રાયલ સમારકામ કરાયા બાદ એરક્રાફ્ટનું ટ્રાય રન લેવાશે. તમામ ધારાધોરણો પૂરા કરીને અને સુરક્ષાની 100% ખાતરી થયા બાદ જ DGCA તરફથી તેને ફરી કોમર્શિયલ ઉડાન માટે ‘ફિટનેસ સર્ટિફિકેટ’ આપવામાં આવશે.ત્યારબાદ ફરી ઉડાન ભરશે.

